(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થીઓની વર્ષ ૨૦૨૬-૨૭ માટે પર્યાવરણીય અભ્યાસ અને તાલીમ યાત્રા હેઠળ ભાયંદર કેશવસૃષ્ટિ ખાતે શૈક્ષણિક પિકનિકનું આયોજન કરવામાં આવવાનું છે. જોકે આ પિકનિક સામે અત્યારથી વિરોધ થઈ રહ્યો છે.પાલિકાના શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ ૩૦,૭૧૪ વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યાના આધારે ઓક્ટોબર ૨૦૨૬ થી ફેબ્રુઆરી ૨૦૨૭ના સમયગાળામાં એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવશે. શૈક્ષણિક પિકનીક માટે વિદ્યાર્થી દીઠ ૮૦૨ રૂપિયાના ખર્ચ તો કુલ ૨.૪૬ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
શિક્ષણ વિભાગના દાવા મુજબ કેશવસૃષ્ટિનો વિસ્તાર લીલોતરી અને શાંત છે, જેમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો, ઔષધીય છોડ અને ફૂલો છે. અહીં ઓર્ગેનિક ખેતી, ડેરી ફાર્મિંગ અને મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોના સશક્તીકરણ માટે અહીં વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પસમાં શાળા પ્રવાસો, પ્રકૃતિ શિબિરો અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ૨૦૦ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા કેમ્પસમાં સાગ, તાડ, અર્જુન, જાંભોલ, કદંબ અને વાંસ સહિત ૩૧૦૦ થી વધુ પ્રજાતિઓનાં વૃક્ષોનું ઘર છે.
આયુર્વેદિક દવાઓના ઉત્પાદન અને સંશોધન માટે ઘણા હર્બલ છોડ ઉગાડવામાં આવે છે. પર્યાવરણીય પર્યટન, કચરો વ્યવસ્થાપન, રસોડાના કચરાનો બાયોગેસ, ગાયના છાણ ગેસ, વર્મીકમ્પોસ્ટ ઉત્પાદન, કાગળ રિસાયક્લિંગ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ, પાણી વ્યવસ્થાપન, સૌર વ્યવસ્થાપન, સૌર ઊર્જાથી ચાલતાં ઉપકરણો, પર્યાવરણીય સંતુલન અને જૈવવિવિધતા આવરી લેવામાં આવ્યા છે.
આ પિકનિક સામે જોકે સમાજવાદી પાર્ટીએ પાલિકા કમિશનરને પત્ર લખીને વિરોધ દર્શાવ્યો છે. પાર્ટીના કહેવા મુજબ પાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓની પિકનિક એટલે શિક્ષણનું ભગવાકરણ છે. પાલિકા પ્રશાસન બંધારણને જવાબદાર છે અને ભારતીય બંધારણ ધર્મનિરપેક્ષ છે. ધાર્મિક ઉદ્દેશ્ય ધરાવતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની પિકનિકનું આયોજન કરવું એ બંધારણ વિરોધી છે.