Thu Oct 01 2026

Logo

રજનીકાંતે સાદગીથી જીત્યા ચાહકોના દિલ: ઓટોરિક્ષામાં સેટ પર પહોંચ્યા સુપરસ્ટાર, વીડિયો વાયરલ

2026-09-30 19:38:35
Author: Mumbai Samachar Team
રજનીકાંતે સાદગીથી જીત્યા ચાહકોના દિલ: ઓટોરિક્ષામાં સેટ પર પહોંચ્યા સુપરસ્ટાર, વીડિયો વાયરલ

મૈસુર: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મી સ્ટાઇલની સાથે સાદગી માટે પણ જાણીતા છે. 75 વર્ષીય અભિનેતાએ ફરી એકવાર પોતાની સાદગીથી ચાહકોનું દિલ જીતી લીધું છે. મંગળવારે રજનીકાંત પોતાની આગામી એક્શન ફિલ્મ ‘ધર્મન’ના મૈસુર સ્થિત શૂટિંગ સેટ પર ઓટોરિક્ષામાં પહોંચ્યા હતા. તેમનો ઓટોરિક્ષામાં સવાર થઈને સેટ પર પહોંચતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

રજનીકાંતના સેટ પર આવવાની જાણ થતાં મોટી સંખ્યામાં ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ત્યાં એકઠા થયા હતા. તેઓ ઓટોરિક્ષામાંથી ઉતર્યા ત્યારે ચાહકોએ જોરદાર નારા અને ચીયરિંગ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. રજનીકાંતની સુરક્ષા માટે તેમની સાથે સિક્યોરિટી સ્ટાફ પણ હાજર હતો, જેના કારણે ચાહકો તેમને નજીકથી મળી શક્યા નહોતા. જોકે, સુપરસ્ટારે ચાહકોને નિરાશ કર્યા નહોતા. 

ઓટોરિક્ષામાં સેટ પર પહોંચ્યા થલાઈવા 

ઓટોરિક્ષામાંથી નીચે ઉતર્યા બાદ રજનીકાંતે હાથ ઊંચો કરીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન તેઓ ઘાટા મરૂન રંગની શર્ટ અને સફેદ ધોતીમાં જોવા મળ્યા હતા. સેટના ગેટ પાસે સુરક્ષાકર્મીઓ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા, પરંતુ ચાહકોનો ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. રજનીકાંતની આ સાદગીભરી એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. 

કમલ હાસન પ્રોડ્યુસ કરી રહ્યા છે 'ધર્મન'

‘ધર્મન’ની વાત કરીએ તો ફિલ્મનું દિગ્દર્શન ‘ઓહ માય કડાવુલે’ અને ‘ડ્રેગન’ જેવી ફિલ્મો માટે જાણીતા અશ્વથ મારિમુથુ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ કમલ હાસનની કંપની રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ કરી રહી છે. ફિલ્મનું મુહૂર્ત જૂન 2026માં થયું હતું અને તે સમયે તેનો ફર્સ્ટ-લુક પોસ્ટર પણ સામે આવ્યો હતો. પોસ્ટરમાં રજનીકાંત ડોક્ટરના ગેટઅપમાં જોવા મળ્યા હતા અને તેમના હાથ લોહીથી ખરડાયેલા દેખાતા હતા. 

'ધર્મન' મૂવીની કાસ્ટ 

ફિલ્મની જાહેર કરાયેલી સ્ટારકાસ્ટમાં રજનીકાંત ઉપરાંત સિમરન, રાશિ ખન્ના અને યોગી બાબુ સામેલ છે. જોકે, મૈસુરના શૂટિંગ સેટ પરથી સામે આવેલા ફોટા અને વીડિયોના આધારે તેલુગુ કલાકારો રામ પોથિનેની અને શ્રીલીલા પણ ફિલ્મનો ભાગ હોવાની ચર્ચા ચાલી રહી છે. શ્રીલીલાનો સેટ પર પિંક અને બ્લુ રંગની પટ્ટુ પાવડાઈ પહેરેલો વીડિયો પણ સામે આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. 

રજનીકાંતની 'જેલર 2' પણ રિલીઝ થઈ રહી છે 

દરમિયાન રજનીકાંતના ચાહકો માટે તેમની બીજી મોટી ફિલ્મ ‘જેલર 2’ પણ ચર્ચામાં છે. ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં 15 ઓક્ટોબર 2026ના રોજ રિલીઝ થવાની છે. તેમાં રજનીકાંત ફરી એકવાર નિવૃત્ત જેલર ટાઈગર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં રામ્યા કૃષ્ણન અને યોગી બાબુ ઉપરાંત વિદ્યા બાલન, એસ.જે. સૂર્યા, સૂરજ વેન્જારામૂડુ, વિજય સેતુપતિ અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.