Tue Aug 25 2026

Logo

કોણ હતા એ રાજા જેમણે વિનોબા ભાવેને એકસાથે દાનમાં આપી દીધી 1.17 લાખ એકર જમીન?

2026-08-22 22:28:21
Author: Devayat Khatana
કોણ હતા એ રાજા જેમણે વિનોબા ભાવેને એકસાથે દાનમાં આપી દીધી 1.17 લાખ એકર જમીન?

15 ઓગષ્ટ 1947, એ દિવસ કે જ્યારે ભારત બ્રિટિશ રાજથી મુક્ત થયું અને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશામાં ઊભરી આવ્યું.  ભારતને ભલે રાજનીતિક  આઝાદી મળી ગઈ પરંતુ તે સમયે દેશની સામે અનેક સમસ્યાઓ હતી. દેશ વિસ્થાપિતો, ગરીબો અને ભવિષ્યની નીતિ સહિતના મુદ્દાઓ પર નવી કેડી કંડારવા જઈ રહ્યો હતો તેવા સમયે દેશના સ્વતંત્રતા સેનાની અને પ્રખ્યાત ગાંધીવાદી નેતા આચાર્ય વિનોબા ભાવેએ એક એવી ક્રાંતિકારી ચળવળનો આરંભ કર્યો હતો કે જેનાથી તેમનું નામ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. 

વિનોબા ભાવેએ આઝાદી બાદ દેશમાં સમાનતા સ્થાપવા ભૂદાન નામે એક ક્રાંતિકારી ચળવળ આરંભી હતી. આ ચળવળ એક સ્વૈચ્છિક જમીન સુધારણા ચળવળ હતી. તેમનો હેતુ જમીનના પુનઃ વિતરણનો હતો એટલે કે વધુ જમીન ધરાવતા જમીનદારો કોઈ કાયદાના ડર કે કાયદાને કારણે નહિ પણ સ્વૈચ્છિકરીતે આગળ આવે અને ભૂમિવિહીન લોકોને જમીન આપે. આ માટે તેમણે સર્વોદય સંઘની સ્થાપના કરી હતી અને તેમાં આખા ભારતમાંથી સ્વયંસેવકો જોડાયા હતા. 

આ આંદોલનની શરૂઆત 18 એપ્રિલ, 1951ના રોજ થઈ કે જ્યારે વિનોબા ભાવેને પહેલી જમીનનું દાન મળ્યું હતું. તેમને આ જમીન તેલંગાણા પ્રદેશમાં આવેલા પોચમપલ્લી ગામમાં મળી હતી. આ દાન બાદ દેશવ્યાપી ભૂદાન ચળવળની શરૂઆત થઈ, પણ આજે હવે આ ક્રાંતિકારી અને દેશના કરોડો લોકોના જીવનમાં ઉજાસ પાથરનારી ઇતિહાસના પાનાઓમાં તેમજ પેઢીની સ્મૃતિમાં કોતરાયેલી છે. આ માટે વિનોબા આખા દેશમાં પગપાળા ફર્યા હતા અને જમીનદરોને તેમની જમીનનો છઠ્ઠો ભાગ ભૂમિવિહીન લોકોને આપવા માટે અનુરોધ કર્યો હતો. 

ભૂદાન ચળવળમાં રામગઢ રાજવી પરિવારના રાજા બહાદુર કામાખ્યા નારાયણ સિંહનું ખૂબ મોટું યોગદાન રહ્યું. તેમનો જન્મ અને ઉછેર બંને રાજાશાહીમાં હોવા છતાં, તેમની રાજકીય વિચારસરણી ખૂબ જ ગાંધીવાદી હતી. કામાખ્યા નારાયણ સિંહના જીવનની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક ભૂદાન ચળવળમાં તેમનું યોગદાન છે. વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞથી પ્રેરિત થઈને, તેમણે તેમની નોંધપાત્ર સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો દાનમાં આપ્યો હતો. એવું કહેવાય છે કે દેશભરમાં ભૂદાન યજ્ઞ દરમિયાન સૌથી વધુ જમીન દાન કરવાનો રેકોર્ડ તેમના નામે છે. તેમણે 1.17 લાખ એકર જમીનનું દાન કર્યું હતું.