ચંદીગઢ: પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી મુદ્દે ભાજપે મોટી જાહેરાત કરી છે. આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતા બી.એલ. સંતોષે જણાવ્યું હતું કે ભાજપ પંજાબની તમામ 117 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.
બીએલ સંતોષ સોમવારથી પંજાબના બે દિવસના પ્રવાસે
ભાજપના વરિષ્ઠ નેતા બીએલ સંતોષ સોમવારથી પંજાબના બે દિવસના પ્રવાસે છે. આ મુલાકાતનો હેતુ પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સમીક્ષા અને રાજ્યમાં પાયાના સ્તરે સંકલન અને તૈયારીઓને મજબૂત બનાવવાનો છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ આવતા વર્ષે યોજાશે. ભાજપે તાજેતરમાં સતીશ પુનિયાને પંજાબના નવા પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
હરસિમરત કૌર બાદલે ટિપ્પણી કરી
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધન અંગે અટકળો જોરશોરથી ચાલી રહી હતી. ત્યારે શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે, "ગુરુ સાહેબ કૃપા કરે. આ બોલવાનું મારું કામ નથી, તેથી મે મારી જીભ પકડી રાખી છે. તમને જાતે જ ખબર પડી જશે.
પંજાબના લોકોને ફાયદો થશે
તેમણે ઉમેર્યું હતું કે, ઈશ્વર અમારી પર કૃપા કરે અને લોકોને આવી સમજૂતી માટે હિંમત આપે. આવી સમજૂતી દ્વારા વિકાસના કામો દિલ્હીથી કરવામાં આવે છે. તેમજ એક વાર ફરી પંજાબમાં વિકાસ અને પ્રગતિનો પાયો મૂકવામાં આવી શકે છે. જેનાથી પંજાબ અને પંજાબના લોકોને ફાયદો થશે.
ભાજપ-અકાલી દળ ગઠબંધન અંગે અટકળો
ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ માસની શરૂઆતમાં શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત પાર્ટીએ મહિલા અનામત બિલને તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ કરી હતી અને સીમાંકન પ્રક્રિયાને ટેકો આપ્યો હતો. આ ઘટનાઓ પછી જ ભાજપ-અકાલી દળ ગઠબંધન અંગે અટકળો શરૂ થઈ હતી.