Wed Aug 19 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ 'વિવાદ': ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય જળમાર્ગને 'અમેરિકી વિસ્તાર' ગણાવતા ઈરાન સાથે તણાવ વધ્યો

Washington DC   2026-08-18 20:37:39
Author: Devayat Khatana
Article Image

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન સાથેનો તણાવ વધુ તીવ્ર બનાવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નકશો શેર કરીને આ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ જળમાર્ગને 'અમેરિકાનો નવો વિસ્તાર' ગણાવતા વિવાદ સર્જાયો છે. 

વૈશ્વિક ઊર્જા શિપમેન્ટ માટેના આ સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો દાવો આ સાંકડા માર્ગ પર સાર્વભૌમત્વ અને નેવિગેશનને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક લઈને આવ્યો છે.

આ પહેલા એક રેલી દરમિયાન અને પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે આ જળમાર્ગને અમેરિકી ક્ષેત્ર જાહેર કરવાના પોતાના વિચારનું પુનરાવર્તન કર્યું હતું. તાજેતરમાં જ આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે નાકાબંધી દ્વારા આ માર્ગને નિયંત્રિત કરવો એ એક સારો વિચાર છે અને તેના પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે. ટ્રમ્પના આ આક્રમક વલણ અને વિવાદાસ્પદ નકશાના પ્રકાશનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.

બીજી બાજુ, ઈરાને આ મામલે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કર્યું છે. જો કે બીજી તરફ ઇરાને જણાવ્યું હતું કે જ્યાં સુધી વોશિંગ્ટન જૂન મહિનામાં થયેલા સમજૂતી કરાર મુજબ પોતાના વચનો પૂરા નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ ખોલવામાં આવશે નહીં. 

ઈરાને અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવા, તેલ પરના પ્રતિબંધો પાછા ખેંચવા અને વિદેશોમાં જમા ઈરાની સંપત્તિઓ પરથી રોક હટાવવાની માંગણીનું પુનરાવર્તન કર્યું છે.

યુદ્ધ શરૂ થયા બાદથી ઈરાને આ જળમાર્ગ પર નેવિગેશન નિયંત્રણ જાળવી રાખ્યું છે અને જહાજો પાસેથી શુલ્ક વસૂલી રહ્યું છે. ઓમાન અને ઈરાન વચ્ચે આ વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ટ્રમ્પ દ્વારા નકશો પોસ્ટ કરવાના પગલે ઈરાન વધુ નારાજ થઈ શકે છે. 

નિષ્ણાતોના મતે, આ પગલાથી બંને દેશો વચ્ચેનો તણાવ આગામી સમયમાં વધુ વણસી શકે છે અને વૈશ્વિક શિપિંગ કોરિડોર પર તેની ગંભીર અસરો પડી શકે છે.