ગૉલઃ મોટા ભાગના ક્રિકેટરોને કોઈ મૅચના આરંભમાં કે સિરીઝની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા મળતું હોય છે, પરંતુ શ્રીલંકાના 26 વર્ષની ઉંમરના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન પાસિન્દુ (Pasindu) સૂરિયાબંદારાની કમનસીબી જાણશો તો તમને તેના પ્રત્યે સહાનુભૂતિ થશે.
ચંદીમલ કંકશન બદલ પૅવિલિયનમાં
મંગળવારે ભારત સામેની ટેસ્ટના ચોથા દિવસે સવારે દિનેશ ચંદીમલ ફીલ્ડિંગ દરમ્યાન ઈજા પામ્યો હતો. તેને ખભા ઉપરાંત ગરદનમાં ગંભીર ઈજા થઈ હતી. માથામાં કે ગરદનમાં ઈજા થાય તો એ પ્રકારની ઈજા કંકશન તરીકે ઓળખાય છે. ચંદીમલે તરત મેદાન છોડીને જતા રહેવું પડ્યું હતું અને તેના સ્થાને (આઇસીસીના નિયમ અનુસાર) પાસિન્દુ સૂરિયાબંદારાને તેના સ્થાને રમવા બોલાવવામાં આવ્યો હતો. કંકશનની ઈજાના બનાવ વખતે બીજા ખેલાડીને મૅચમાં રમાડી શકાય છે.

એક તરફ ચંદીમલને સ્કૅન માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને બીજી બાજુ સૂરિયાબંદારાને બીજા દાવમાં વનડાઉનમાં બૅટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. 13 રનના કુલ સ્કોર પર મોહમ્મદ સિરાજ ઓપનર નિશાન ફર્નાન્ડોને પૅવિલિયનમાં પાછો મોકલી ચૂક્યો હતો અને સૂરિયાબંદારા હજી તો માંડ ક્રીઝમાં આવ્યો ત્યાં તો પોતાના પહેલા જ બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. સ્પિનર માનવ સુથારે તેને બરાબર જાળમાં ફસાવ્યો હતો.
26 વર્ષના સૂરિયાબંદારાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલો જ બૉલ હતો. માનવ સુથાર (Suthar)ની આંગળીની કરામતથી શ્રીલંકાના પીઢ ખેલાડીઓ વાકેફ નથી ત્યાં સૂરિયાબંદારાની શું વાત કરવી! અમ્પાયરે તો અપીલમાં તેને આઉટ ન આપ્યો એટલે કૅપ્ટન શુભમન ગિલે રિવ્યૂ માગી હતી જેમાં થર્ડ અમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો. સૂરિયાબંદારા મંગળવાર પહેલાં 68 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 14 સેન્ચુરીની મદદથી 4,900 જેટલા રન કર્યા હતા, પણ માનવ સુથાર સામે તેને એ અનુભવ કામ ન લાગ્યો.