અઠવાડિયામાં માત્ર 48 કલાક કામ સહિતની શરતો લાગુ
અમદાવાદઃ રાજ્ય સરકારે માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ મંજૂરી છે. રાજ્યમાં સેમિકંડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી નવી રોજગારી ઉભી થશે. આ 12 કલાકની શિફ્ટમાં કર્મચારીઓ માટે અઠવાડિયામાં કુલ કામકાજનો સમય 48 કલાકનો જ રહેશે.
આ મંજૂરી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ, 2020ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવી છે, જે 21 નવેમ્બર, 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. આ કોડ રાજ્ય સરકારોને જરૂરી સુરક્ષા જોગવાઈઓ સાથે કેટલીક પરિસ્થિતિઓમાં ફેક્ટરીઓને ચોક્કસ જોગવાઈઓમાંથી છૂટ આપવાની સત્તા આપે છે, પરંતુ કર્મચારીઓના સાપ્તાહિક કામકાજના કલાકો નિર્ધારિત મર્યાદાથી વધુ ન થાય તેની ખાતરી પણ આપે છે.
કોઇ પણ ઔદ્યોગિક એકમે કર્મચારીઓ માટે 12 કલાકની શિફ્ટ રાખવા માટે સરકારની પૂર્વ મંજુરી લેવી ફરજિયાત છે. મંજુરી વગર કોઇ ઔદ્યોગિક ગૃહ કર્મચારીઓ પાસે 12 કલાકની શિફ્ટ રાખી શકશે નહી. આ પ્રકારની જોગવાઇ ચોક્સ ઉદ્યોગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારકુંવરજીભાઇ બાવળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 12 કલાકની શિફ્ટ વિશ્વભરના સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોમાં સ્વીકૃત કાર્યપદ્ધતિ છે. લાંબી શિફ્ટને કારણે શિફ્ટ બદલવાની સંખ્યા ઘટે છે, ક્લીનરૂમમાં પ્રવેશ ઓછો થાય છે, મશીનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને અબજો રૂપિયાના રોકાણ ધરાવતા પ્લાન્ટમાં સતત ઉત્પાદન જાળવી શકાય છે. સાથે જ, કર્મચારીઓ સપ્તાહમાં ઓછા દિવસ કામ કરતાં હોવાથી કુલ સાપ્તાહિક કામકાજનો સમય 48 કલાક જ રહે છે.
રાજ્ય સરકારે આ મંજૂરી સાથે શ્રમિકોના હિતોની સુરક્ષા માટે કડક શરતો લાગુ કરી છે. પુખ્ત વયના કર્મચારીઓ દિવસના વધુમાં વધુ 12 કલાક કામ કરી શકશે, પરંતુ સપ્તાહમાં કુલ કામકાજનો સમય 48 કલાકથી વધુ નહીં હોય. બાકીના દિવસોને પગારપાત્ર રજા તરીકે ગણવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, માત્ર પોતાની સ્વૈચ્છિક લેખિત સંમતિ આપનારા કર્મચારીઓ જ 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકશે. રાજ્ય સરકારે વધુમાં નિર્ધારિત કર્યું છે કે, આરામના વિરામ સહિતનો કુલ કાર્યસમય દિવસના 12 કલાકથી વધુ નહીં હોય.
કંપનીએ આ વ્યવસ્થા હેઠળ કામ કરતા કર્મચારીઓનો અલગ રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. તેમજ ફેક્ટરીઓના ચીફ ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર દ્વારા લાદવામાં આવેલી વધારાની શરતોનું પણ પાલન કરવું પડશે. જો કોઈપણ શરતનો ભંગ થશે તો આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવશે અને સંબંધિત સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.