નવી દિલ્હીઃ ટ્રાન્સપોર્ટ કંપનીઓ, ફ્લીટ ઑપરેટર્સ અને વૈકલ્પિક ઈંધણવાળા વાહનો માટે રાહતભર્યા સમાચાર છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં ધરખમ ફેરફારનો પ્રસ્તાવ રાખ્યો છે. તેનાથી દેશના ટ્રાન્સપોર્ટ ઑપરેટર્સ, ફ્લીટ ઑનર્સ અને ઑટો કંપોનેંટ નિર્માતાઓને મોટો ફાયદો થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ઈલેક્ટ્રિક વ્હીકલ, હાઈડ્રોડન અને CNGથી ચાલતા કમર્શિયલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટર વ્હીકલ રૂલ્સમાં ધરખમ ફેરફારનો પ્રસ્તાવ રાખ્યો છે. જે અંતર્ગત આવા વાહનોની નિર્ધારિત વેલિડિટીને 5 વર્ષ સુધી વધારવાની જોગવાઈ કરવામાં આવી શકે છે.
મંત્રાલયે ડ્રાફ્ટ નિયમો પર તમામ સંબંધિત સ્ટેક હૉલ્ડર્સ પાસે 30 દિવસની અંદર સૂચન અને વાંધા અરજી મંગાવ્યા છે. જોકે હાલ આ ફેરફાર પ્રસ્તાવિત છે અને અંતિમ નિયમ લાગુ થયા બાદ જ પ્રભાવી થશે. MoRTH સમયાંતરે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં વૈક્લ્પિક ઈંધણ અને કમર્શિયલ વાહનો સાથે જોડાયેલી જોગવાઈઓમાં બદલાવ કરતું રહે છે.
EV, CNG, Hyderogen વાહનોને ફાયદો
પ્રસ્તાવનો સૌથી મોટો ફાયદો EV, CNG, Hyderogen વાહનોને થઈ શકે છે. વેલિડિટી વધવાથી વાહનો લાંબા સમય સુધી કમર્શિયલ ઑપરેશનમાં ઉપયોગમાં રહેશે. ફ્લીટ ઑપરેટર્સ માટે વાહવનોની વેલિડિટી વધવાથી નવા વાહન ખરીદવાની જરૂરિયાત થોડા સમય માટે ટાળી શકાશે. ઉપરાંત, સરકારના વૈકલ્પિક ઈંધણ અને ક્લીન મોબિલિટીને વધારવાના લક્ષ્યને પણ સપોર્ટ મળી શકે છે.
બોડી વગરના ચેસિસનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન 6 મહિના સુધી
ડ્રાફ્ટમાં બોડી વગરના ચેસિસ માટેની ટેમ્પરરી રજીસ્ટ્રેશન મર્યાદા 6 મહિના સુધી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જરૂર પડ્યે તેમાં 30-30 દિવસનું વધારાનું એક્સટેન્શન આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ જોગવાઈ ખાસ કરીને એવા કમર્શિયલ વાહનો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જેમને ચેસિસમાંથી સંપૂર્ણ તૈયાર વાહનમાં ફેરવવા માટે બોડી બિલ્ડિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
ફુલ્લી બિલ્ટ વ્હીકલ માટે 45 દિવસનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન
ફુલ્લી બિલ્ટ વ્હીકલને બીજા રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવવા અથવા એડેપ્ટેડ વ્હીકલ કન્વર્ઝન માટે 45 દિવસનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન આપવાનો પ્રસ્તાવ છે. આનાથી વાહન માલિકો અને ડીલર્સ માટે રજિસ્ટ્રેશન અને કન્વર્ઝન સંબંધિત પ્રક્રિયા સરળ બની શકે છે.
ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સને ફાયદો
સૂચિત ફેરફારોમાં ઓટો કમ્પોનન્ટ ઉત્પાદકોને નિયમ 33 અંતર્ગત સામેલ કરવાની વાત કરવામાં આવી છે. કમ્પોનન્ટ ઉત્પાદકોને R&D તેમજ નવા ઓટોમોટિવ પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે. તેનાથી ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી, નવા ઉત્પાદનો અને વૈકલ્પિક ઇંધણ આધારિત વાહનો માટે કમ્પોનન્ટ ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળી શકે છે.
નેશનલ પરમિટ પણ બનશે સરળ
પ્રસ્તાવમાં નેશનલ પરમિટ ઓથોરાઇઝેશનને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જારી કરવાની વ્યવસ્થાનું સૂચન કરવામાં આવ્યું છે. નેશનલ પરમિટની મુદત માટે 1 વર્ષથી લઈને મહત્તમ 5 વર્ષ સુધીનો વિકલ્પ આપી શકાય છે. પ્રસ્તાવ મુજબ તેની ફી વાર્ષિક રૂ.16,500 રહેશે. આનાથી લાંબા અંતરના કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ ઓપરેટરો માટે પરમિટ પ્રક્રિયા વધુ સુવિધાજનક બની શકે છે.
ડીલરના ટ્રેડ સર્ટિફિકેટમાં પણ ફેરફાર
ડીલર્સ માટે ટ્રેડ સર્ટિફિકેટ પ્રક્રિયાને સરળ બનાવવા હેતુ વાહન (VAHAN) પોર્ટલ પરથી વિગતો ઓટો-ફેચ કરવાનો પ્રસ્તાવ છે. ફોર્મમાં GST, PAN, Udyam Aadhaar અને CIN જેવી વ્યાપારી માહિતી સામેલ કરી શકાશે. આનાથી મેન્યુઅલ ડેટા એન્ટ્રી ઘટાડવા અને પ્રક્રિયાને ડિજિટલ બનાવવામાં મદદ મળશે.
વ્હીકલ રજિસ્ટ્રેશનમાં પણ ડિજિટલ ફેરફારો
પ્રસ્તાવ હેઠળ વ્હીકલ રજિસ્ટ્રેશન દરમિયાન ડિજિટલ ફેરફારો થઈ શકે છે. જે મુજબ માલિકનો આધાર-લિંક્ડ મોબાઈલ નંબર સામેલ કરી શકાય છે. Loan/Hypothecationના કિસ્સામાં એગ્રીમેન્ટ નંબર અથવા લોન એકાઉન્ટ નંબર નોંધાશે. રજિસ્ટ્રેશન નંબર દાખલ કરતાં જ ઉપલબ્ધ માહિતી VAHAN પોર્ટલ પરથી ઓટો-ફેચ થઈ જશે. નેશનલ પરમિટ ફોર્મ્સમાં ઇન્સ્યોરન્સ, PUC, ફિટનેસ અને પેન્ડિંગ ચલણ હિસ્ટ્રી જેવી વિગતો સામેલ રહેશે.
કોને ફાયદો થશે?
1) ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ
2) ફ્લીટ ઓનર્સ
3) EV કોમર્શિયલ વ્હીકલ કંપનીઓ
4) CNG/NGV ઓપરેટર્સ
5) હાઇડ્રોજન વ્હીકલ ઓટો સિસ્ટમ
6) ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ
7) વ્હીકલ બોડી બિલ્ડર્સ અને ડીલર્સ