Sun Aug 23 2026

Logo

વડોદરાની હોટલમાં ઉતરેલા બે ગે યુવકોમાંથી એકનું મોત, લાઈટ ગઈ ને એક પતી ગયો......

2026-08-19 12:39:00
Author: Mayur Patel
Article Image

વડોદરા: શહેરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી એક હોટલમાં બે ગે યુવકો ઉતર્યા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. લાઈટ જતાં એક યુવક પડી ગયો હતો. જેના કારણે માથામાં ઈજા થતાં પતી ગયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ તથા અન્ય ગે યુવકની પૂછપરછ બાદ જ સામે આવશે.

સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, પાણીગેટ ખાટકીવાડ વિસ્તારમાં રહેતો યુવક અને ભાયલી ગામનો યુવક સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. બંને ગે હતા. બંને મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ દાંડિયાબજાર સ્થિત હોટેલમાં મળવા આવ્યા હતા અને તેમણે રૂમ નંબર 304 બુક કરાવ્યો હતો.

દરમિયાન રાત્રે રૂમની લાઈટ જતી રહેતાં અંધારામાં વોશરૂમ તરફ જઈ રહેલા  યુવકને ઠોકર વાગતાં તે નીચે પટકાયો હતો અને તેના માથા તેમજ કપાળના ભાગે ઈજા પહોંચી હતી. વીજ પુરવઠો ન હોવાથી બંનેએ હોટેલ સ્ટાફને વિનંતી કરી રૂમ નંબર 302માં શિફ્ટિંગ કર્યું હતું. સવારે આશરે 7 વાગ્યે એક યુવકે  હોટેલ રિસેપ્શન પર દોડી આવી તેનો સાથી બેભાન હોવાની બૂમાબૂમ કરી હતી અને 108 બોલાવવા જણાવ્યું હતું. હોટેલ સ્ટાફે તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. જોકે, 108ની ટીમે તપાસ બાદ  યુવકને મૃત જાહેર કર્યો હતો.

થોડીવારમાં પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. એસીપી અશોક રાઠવાના જણાવ્યા મુજબ, મૃતક સાથે રહેલા યુવકના શરીર પર કોઈ ઝપાઝપી કે ઈજાના નિશાન નથી મળ્યા, છતાં સત્ય જાણવા તેની પૂછપરછ ચાલી રહી છે. મૃતકે કોઈ નશો કર્યો હતો કે કેમ તેની ખાતરી કરવા બ્લડ સેમ્પલ લેવાયા છે. હાલ રાવપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મોતનું સાચું કારણ પીએમ  રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.