Sun Sep 13 2026

Logo

રીલના ચક્કરમાં મુસાફરો પર પથ્થરફેંક અને અશ્લીલ હરકતો! આરપીએફએ યુવક સામે ગુનો નોંધતાં જ માંગી માફી

2026-08-19 15:25:02
Author: Darshana Visaria
રીલના ચક્કરમાં મુસાફરો પર પથ્થરફેંક અને અશ્લીલ હરકતો! આરપીએફએ યુવક સામે ગુનો નોંધતાં જ માંગી માફી

સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં યુવાનો પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા ખચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો થાણે નજીક દીઘા (Digha) વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકે દોડતી મુંબઈ લોકલ ટ્રેન તરફ પથ્થર ફેંકવાનો ડોળ કરી મુસાફરો તરફ અશ્લીલ ચેનચાળા કરતો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

આ વીડિયો સામે આવ્યા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF સાનપાડા) એ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને યુવક સામે રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ કાર્યવાહી બાદ ગભરાયેલા યુવકે સોશિયલ મીડિયા પર હાથ જોડીને માફી માંગતો વીડિયો શેર કરવો પડ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક યુવક રેલવે ટ્રેકની નજીક ઊભો રહીને પસાર થતી લોકલ ટ્રેન તરફ પથ્થર ફેંકવાનો પ્રયાસ કરતો અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ સામે અભદ્ર ઈશારાઓ કરતો જોવા મળ્યો હતો. દોડતી ટ્રેન પર પથ્થર કે અન્ય વસ્તુઓ ફેંકવાથી મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ શકે છે, જેના કારણે પ્રવાસીઓની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને આક્રોશ ફેલાયો હતો.

થાણે રેલવે પોલીસ અને આરપીએફ સાનપાડાએ તપાસ હાથ ધરીને યુવકની ઓળખ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ સકંજામાં આવતાં જ યુવકે માફી માંગતો વીડિયો જાહેર કરતાં કહ્યું હતું કે મારો જે વીડિયો વાઈરલ થયો છે, તેનો હેતુ કોઈ ટ્રેનને નુકસાન પહોંચાડવાનો નહોતો. મેં આ વીડિયો માત્ર એક રીલ બનાવવા માટે બનાવ્યો હતો. મેં વાસ્તવમાં ટ્રેન પર પથ્થર નહોતો ફેંક્યો પણ બાજુમાં ફેંક્યો હતો, હું માત્ર ટ્રેન પર ફેંકવાનો અભિનય કરી રહ્યો હતો. મહેરબાની કરીને મને માફ કરો, ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં થાય.

આરપીએફ સાનપાડાના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્ર અવારેના જણાવ્યા અનુસાર, આરોપી યુવક સામે રેલવે એક્ટની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ વાઈરલ ફૂટેજ અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે શું આ કૃત્ય દરમિયાન કોઈ ટ્રેન કે મુસાફરને ઈજા કે નુકસાન થયું હતું કે કેમ?

રેલવે વહીવટીતંત્ર દ્વારા ફરી એકવાર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ટ્રેક નજીક જોખમી સ્ટંટ કરવા કે મુસાફરોની સુરક્ષા જોખમાય તેવી રીલ બનાવવી એ ગંભીર કાનૂની ગુનો છે અને આવા તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.