Wed Sep 16 2026

Logo

ગઢચિરોલી શાળામાં સાપ કરડતા ૩ વિદ્યાર્થિનીનાં મોત: સરકારે સ્કૂલની માન્યતા કાયમ માટે રદ કરી

2026-08-19 19:33:47
Author: Mumbai Samachar Team
ગઢચિરોલી શાળામાં સાપ કરડતા ૩ વિદ્યાર્થિનીનાં મોત: સરકારે સ્કૂલની માન્યતા કાયમ માટે રદ કરી

નાગપુર: મહારાષ્ટ્રના આદિવાસી વિકાસ વિભાગે તાજેતરમાં સાપ કરડવાથી ત્રણ આદિવાસી વિદ્યાર્થિનીનાં મોતના કિસ્સા બાદ ગઢચિરોલી જિલ્લાના એક સરકારી આશ્રમ શાળાની માન્યતા કાયમ માટે રદ કરી દીધી છે. આ નિર્ણયને પગલે જપતલાઈની આશ્રમ શાળા બંધ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને નજીકની અન્ય આદિવાસી શાળાઓમાં દાખલ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

નાગપુરના એડિશનલ ટ્રાયબલ કમિશનર આયુષી સિંહે જણાવ્યું હતું કે આ રહેણાંકશાળા સરકારી સહાયથી ચાલતી હતી, જ્યાં 233 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. નવમી ઓગસ્ટના રાત્રે બનેલી સાપ કરડવાની ઘટનાને પગલે શાળાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. શાળાના સંચાલન દ્વારા આપવામાં આવેલા ખુલાસાની તપાસ કર્યા બાદ મહારાષ્ટ્રના આદિવાસી વિકાસ વિભાગે શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો હતો.

મળતી માહિતી મુજબ સંબંધિત વિભાગે ધાનોરા તાલુકાના જપતલાઈ ગામમાં કુપરલિંગો એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત આ રહેણાંક આદિવાસી શાળાની માન્યતા રદ કરી દીધી છે. હાલમાં માન્યતા રદ થવાથી આ શાળા બંધ થઈ જશે. વિદ્યાર્થીઓના માતા-પિતાની પસંદગી ધ્યાનમાં રાખીને તેમને નજીકની આશ્રમ શાળાઓમાં દાખલ કરવામાં આવશે.

ઘટનાની રાત્રે જ્યારે વિદ્યાર્થીઓ સૂઈ રહ્યા હતા ત્યારે શાળાના છ વિદ્યાર્થીઓને સાપે ડંખ માર્યો હતો. અહેવાલ મુજબ, સાપ સામાન્ય રીતે જોવા મળતો કોમન ક્રેઇટ હતો. આ ઘટનામાં ત્રણ વિદ્યાર્થિનીનાં મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સાપ કરડવાથી ઇજાગ્રસ્ત થયેલી છોકરીઓમાંની એક 14 વર્ષની વિદ્યાર્થિનીની સ્થિતિ મંગળવારે સર્જરી બાદ પણ ગંભીર બની હતી. સમૃદ્ધિ નેતામને શરૂઆતમાં જિલ્લા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા 15 ઓગસ્ટે ખાસ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ દ્વારા તેને નાગપુરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

GMCHના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અવિનાશ ગાવંડેએ જણાવ્યું હતું કે ડૉક્ટરોને આશંકા છે કે સાપનું ઝેર અને અન્ય તબીબી જટિલતાઓને કારણે તેના મગજને ગંભીર નુકસાન થયું છે. દરમિયાન, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આદિવાસી વિદ્યાર્થિનીઓનાં મોત અંગે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે અને રાજ્ય સરકાર પાસેથી સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો હતો.

આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારે સાપ કરડવાના કેસને 'નોટિફાયેબલ ડિસીઝ' જાહેર કર્યો છે. હવે રાજ્યની તમામ હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને આરોગ્ય વ્યવસાયિકો માટે સાપ કરડવાના દરેક શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસ તથા તેના કારણે થયેલા મોતની જાણ કરવી ફરજિયાત રહેશે.