Sun Sep 06 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પની ફજેતી થઇ, સ્પેનના વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં નાંખ્યું વિઘ્ન, ટ્રોફી આપ્યા પછી પણ ન છોડ્યું સ્ટેજ

new jersey   2026-07-20 12:44:00
Author: Mumbai Samachar Team
ડોનાલ્ડ ટ્રમ્પની ફજેતી થઇ, સ્પેનના વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં નાંખ્યું વિઘ્ન, ટ્રોફી આપ્યા પછી પણ ન છોડ્યું સ્ટેજ

ન્યૂ જર્સી: ફીફા વર્લ્ડ કપ 2026ના મહામુકાબલામાં આર્જેન્ટિનાને 1-0 થી ધૂળ ચટાવી સ્પેને ઇતિહાસ રચી દીધો પરંતુ આ ઐતિહાસિક ક્ષણની મજા એ સમયે ખરાબ થઇ ગઇ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર અચાનક વણજોઇતા મહેમાન બનીને ટપકી પડ્યા. સોશિયલ મીડિયા પર ટ્ર્મ્પની આ ચેષ્ટાને લઇને તેમની ભારે ફજેતી થઇ રહી છે અને ફેન્સનો આરોપ છે કે કેમેરાની લાઇમલાઇટમાં આવવાના ચક્કરમાં તેમણે સ્પેનિશ ટીમનું આખુ સેલિબ્રેશન જ ખરાબ કરી નાંખ્યું. 

સ્પેનની ઐતિહાસિક ઉજવણી બગાડી

ફિફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં અર્જેન્ટીના સામે સ્પેનની 1-0થી જીત બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રોફી સેરેમની દરમિયાન બળજબરીથી સ્ટેજ પર ઉભા રહ્યા હતા, જેના કારણે સ્પેનિશ ખેલાડીઓની ઐતિહાસિક વિજયી ઉજવણીનો આનંદ ફિક્કો પડી ગયો. ફેન્સને અમેરિકા જેવા મોટા દેશના પ્રમુખ પાસેથી આવી આશા ન હતી.

ખસવાનું નામ જ નહોતા લેતા ટ્રમ્પ

મેક્સિકોના પ્રમુખ અને કેનેડાના વડાપ્રધાન જેવા VIP મહેમાનો ટ્રોફી આપ્યા પછી તરત જ સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા, પરંતુ ટ્રમ્પ મેડલ અને ટ્રોફી સોંપ્યા પછી પણ જાણીજોઈને ફૂટેજ અને કેમેરામાં આવવા માટે સ્ટેજ પર જ ઉભા રહ્યા. જાણે કે તેમને આ આખી ક્ષણનું ફૂટેજ એકલાને જ જોઈતું હોય!

ફીફા અધ્યક્ષે ખસી જવાનો ઈશારો કરવો પડ્યો

સ્પેનના કેપ્ટન રોડ્રિને ટ્રોફી સોંપ્યા પછી જ્યારે ટીમ ઉજવણી શરૂ કરવાની રાહ જોઈ રહી હતી, ત્યારે ટ્રમ્પ ખેલાડીઓની વચ્ચે જમણી બાજુ આગળ આવ્યા. પરિસ્થિતિ એટલી અસહજ થઈ ગઈ કે ફીફા અધ્યક્ષ ગિયાની ઈન્ફેન્ટિનોને પોતે આગળ આવીને તેમને ત્યાંથી ખસી જવાનો ઈશારો કરવો પડ્યો. અંતે ગિયાની ઈન્ફેન્ટિનો ટ્રમ્પ પાસે આવ્યા અને તેમને ત્યાંથી હટાવ્યા.

બળજબરીથી હટાવવામાં આવ્યા

સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રમ્પ અને ઈન્ફેન્ટિનો સ્પેનને ટ્રોફી આપે છે. પછી ઈન્ફેન્ટિનો જતા રહે છે અને ટ્રમ્પ ત્યાં જ ઊભા રહે છે. ટ્રમ્પ પોતાની મસ્તીમાં હસી રહ્યા છે અને સ્પેનના ખેલાડીઓ સાથે હાથ મિલાવતા રહે છે. તેઓ ફરી ત્યાં જ ઊભા રહે છે અને હસતા-હસતા તાલીઓ પાડે છે. ઈન્ફેન્ટિનો રાહ જોઈ રહ્યા હોય છે કે ટ્રમ્પ નીચે આવશે, પરંતુ તેઓ આવતા નથી અને સ્ટેજ પર જ ફરતા રહે છે.

માન ન માન મૈં તેરા મહેમાન

જેવા જ સ્પેનના કેપ્ટને હવામાં ટ્રોફી ઊંચકી અને આકાશમાં કોન્ફેટી (રંગબેરંગી કાગળના ટુકડા) ઊડવા લાગ્યા, ટ્રમ્પ ત્યાં જ ઊભા રહીને ઈન્ફેન્ટિનો સાથે ગપ્પાં મારતા જોવા મળ્યા. જેના કારણે ફોટોગ્રાફર્સ અને ખેલાડીઓના ઐતિહાસિક વિજયી શૉટવાળા ફ્રેમમાં તેઓ એક વણજોઇતા મહેમાનની જેમ ચોંટી ગયા. ટ્રમ્પના આ એટેન્શન-સીકિંગ (ધ્યાન ખેંચવાના) વર્તન પર દુનિયાભરના ફૂટબોલ ફેન્સ ભડકી ઊઠ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની ભારે ફજેતી થઈ રહી છે. લોકોએ યાદ અપાવ્યું કે 2025ના ક્લબ વર્લ્ડ કપમાં પણ ચેલ્સીના ફાઇનલ જીત્યા બાદ ટ્રમ્પે બિલકુલ આવી જ હરકત કરી હતી.