Sat Jul 18 2026

Logo

બ્લ્યુચીપ શૅરોમાં લેવાલીને ટેકે સેન્સેક્સ 965 પૉઈન્ટ ઉછળ્યો

2026-07-17 20:29:24
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવમાં વધારો અને ક્રૂડતેલના ભાવ વધી આવ્યાના નકારાત્મક સંકેતો હોવા છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતનાં બ્લ્યુચીપ શૅરો ઉપરાંત આઈટી અને બૅન્ક શૅરોમાં રોકાણકારોની આક્રમક લેવાલી રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 965 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 261 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો.

વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પણ સુધારાતરફી વલણ રહ્યું હોવાથી ઈક્વિટી માર્કેટની તેજીને વેગ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી જળવાઈ રહેતાં 376.41 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1017.89 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

એકંદરે ગઈકાલે બજાર સાંકડી વધઘટે અથડાઈ ગયા બાદ આજે બાઉન્સબૅક સાથે ખૂલ્યું હતું. આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 77,186.87ના બંધ સામે સુધારા સાથે 77,370.77ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 77,308 અને ઉપરમાં 78,282.55ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 964.58 પૉઈન્ટની તેજી સાથે 78,151.45ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફટી ગઈકાલના 24,072.75ના બંધ સામે સુધારાના અન્ડરટોને 24,127.60ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 24,099.05 અને ઉપરમાં 26,367.30ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 1.09 ટકા અથવા તો 261.55 પૉઈન્ટ વધીને 24,334.30ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે તાજેતરમાં જાહેર થયેલા વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળાના પરિણામોમાં કંપનીઓએ વેપાર વૃદ્ધિનો આશાવાદ વ્યક્ત કર્યો હોવાના નિર્દેશો સાથે આજે રોકાણકારો આઈટી અને બૅન્કિંગ ક્ષેત્રનાં લાર્જકેપ શૅરોની ખરીદી તરફ વળતા બજારમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ખાસ કરીને એઆઈનાં વૅલ્યુએશનમાં વધારો, મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારો અને વૈશ્વિક બજારોમાં ભારે ચંચળતાનું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિકમાં ખાસ કરીને હેવી વેઈટ બૅન્કિંગ, ફાઈનાન્સિયલ અને આઈટી ક્ષેત્રના શૅરોમાં વ્યાપક લેવાલી રહેતાં સપ્તાહના અંતે બજાર મજબૂત અન્ડરટોને બંધ રહ્યું છે. વધુમાં ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ખાનગી બૅન્કોના પ્રોત્સાહક પરિણામોનો પણ બજારની તેજીને ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 24 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. જેમાં ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગત જૂનના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં તેનાં પ્રમોટરોના હિસ્સામાં 0.5 પર્સન્ટેજ પૉઈન્ટનો હિસ્સો વધારીને 50.48 ટકા કર્યો હોવાનું એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવતાં આજે બીએસઈ ખાતે શૅરના ભાવમાં 2.59 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આ સિવાય સેન્સેકસ હેઠળના અન્ય શૅરોમાં ટેક મહિન્દ્રામાં 3.91 ટકાનો, કોટક બૅન્કમાં 3.37 ટકાનો, ટીસીએસમાં 3.02 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 2.17 ટકાનો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.87 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય સેન્સેક્સ હેઠળના છ શૅરના ભાવમાં ઘટાડો આવ્યો હતો જેમાં સન ફાર્મામાં 0.87 ટકાનો, ભારતી એરટેલમાં 0.68 ટકાનો, ટ્રેન્ટમાં 0.62 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.46 ટકાનો, ઈન્ડિગોમાં 0.35 ટકાનો અને એનટીપીસીમાં 0.20 ટકાનો ઘટાડો આવ્યો હતો. 

આજે બીએસઈ ખાતે કુલ 4412 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 1635 શૅરના ભાવ વધીને, 2588 શૅરના ભાવ ઘટીને અને 189 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા અને 90 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 89 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે બંધ રહ્યા હતા. વધુમાં આજે બીએસઈ ખાતે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.32 ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં 0.07 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ 1.81 ટકા, ટોપ 10 બૅન્ક ઈન્ડેક્સ 1.78 ટકા, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્કસ ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સ 1.65 ટકા, બૅન્કેક્સ 1.58 ટકા, આઈટી ઈન્ડેક્સ 1.38 ટકા, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ 1.28 ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સ 1.20 ટકા વધીને બંધ રહ્યા હતા. જોકે, આજે કૉમૉડિટી, ઈન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ અને મેટલ ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હતી. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.79 ટકા વધીને બેરલદીઠ 85.52 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી ખાસ કરીને એશિયન બજારોમાં જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સ, શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગના હૅન્ગસૅન્ગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ મધ્ય સત્ર દરમિયાન યુરોના બજારોમાં પણ નરમાઈનું વલણ રહ્યું હતું.