(mumbai samachar team)
ભુજ: ગાંધીનગરમાં રહેતી એક 36 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર યુવતીનો વિશ્વાસ કેળવીને મૂળ ભુજ-કચ્છના યુવકે રૂ. 13.37 લાખની ઓનલાઈન ઠગાઈ આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના લખનૌની વતની અને હાલ ગાંધીનગરમાં ફરજ બજાવતી સૌમ્યા દ્વિવેદીએ આ અંગે ભુજના આઈયાનગરમાં રહેતા હિતેશ ધીરેન ઠક્કર (હાલ રહે. બેંગલુરુ, કર્ણાટક) નામના યુવક સામે ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, આશરે એક વર્ષ અગાઉ મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી સૌમ્યાનો સંપર્ક હિતેશ સાથે થયો હતો. હિતેશે વાતોની જાળમાં ફસાવીને પ્રોફેસર યુવતીનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. આ દરમિયાન હિતેશની સલાહ માનીને સૌમ્યાએ ગત 14 મેના રોજ ગાંધીનગરની એક ખાનગી હોસ્પિટલમાં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. સર્જરી સમયે હમદર્દ બનીને સાથે રહેલા હિતેશે યુક્તિપૂર્વક સૌમ્યાના મોબાઈલ અને નેટ બેંકિંગના પાસવર્ડ જાણી લીધા હતા, એટલું જ નહીં, તેણે યુવતીના ફોનમાં બાયોમેટ્રિક લોકમાં પોતાની ફિંગરપ્રિન્ટ પણ ઉમેરી દીધી હતી.
સર્જરીના ખર્ચ ચૂકવવાના બહાને હિતેશે સૌમ્યાની યુનિયન બેંકની રૂ. 18.15 લાખની ફિક્સ ડિપોઝિટ મોબાઈલ એપ દ્વારા તોડી નાખી હતી. ત્યારબાદ, પ્રોફેસર યુવતીની જાણ બહાર હિતેશે 17 મેના રોજ રૂ. 3 લાખ, 18 મેના રોજ રૂ. 9 લાખ અને 31 મેના રોજ રૂ. 50 હજાર તેના બેંક ખાતામાંથી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઉપરાંત, આરોપીએ સૌમ્યાના ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂ. 87 હજારના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આમ, સારવાર દરમિયાન જ વિશ્વાસઘાત કરીને આરોપીએ કુલ રૂ. 13.37 લાખની છેતરપિંડી આચરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)