Tue Jul 21 2026

Logo

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘરે પુત્રનો જન્મ: 150 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો...

New York   2026-07-20 15:40:31
Author: Darshana Visaria
Article Image

Antoine Gyori


અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા ચિલુકુરી વેન્સના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. દંપતીએ ચોથી વખત માતા-પિતા બનીને એક અનોખો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અમેરિકાના ઈતિહાસમાં છેલ્લા 150 કરતાં વધુ વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે પદ પર ચાલુ હોય તેવા કોઈ ઉપરાષ્ટ્રપતિના ઘરે બાળકનો જન્મ થયો હોય.

ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સોશિયલ મીડિયા પર પત્ની ઉષા વેન્સ સાથે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને આ ગુડ ન્યુઝ ફેન્સ શેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમારા ઘરે પુત્રનો જન્મ થયો છે, જેનું નામ એલેક નીલ વેન્સ રાખવામાં આવ્યું છે. ઉષા અને નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે અને અમારા બાકીના ત્રણેય બાળકો તેમના નાના ભાઈના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છે. 

જેડી વેન્સે આ દરમિયાન વોલ્ટર રીડ મેડિકલ સેન્ટર અને વ્હાઇટ હાઉસની મેડિકલ ટીમના મિલિટ્રી ડોક્ટર્સ અને સ્ટાફનો પણ વિશેષ આભાર માન્યો હતો. અહીંયા તમારી જાણકારી માટે આ પહેલાં વર્ષ 1870માં અમેરિકાના તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ શાયલર કોલફેક્સ અને તેમના પત્ની એલેન વેડના ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ શાયલર કોલફેક્સ તૃતીય રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે 2026 એટલે કે 150 વર્ષ પછી આ ઐતિહાસિક ક્ષણ ફરી જોવા મળી છે. 

રિપબ્લિકન નેતા જેડી વેન્સ લાંબા સમયથી અમેરિકન પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરતા આવ્યા છે અને આ ચોથા બાળકનો જન્મ તેમના એ જ વિચારોને સુસંગત માનવામાં આવે છે. વેન્સ દંપતીને આ પહેલાંથી ત્રણ સંતાનો છે – નવ વર્ષનો ઇવાન, છ વર્ષનો વિવેક અને ચાર વર્ષની મિરાબેલ.

વાત કરીએ કોણ છે ઉષા વેન્સ એની તો 40 વર્ષીય ઉષા વેન્સ ભારતીય મૂળના છે અને તેમનો પરિવાર મૂળ આંધ્રપ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. તેમનું પૂરું નામ ઉષા ચિલુકુરી વેન્સ છે. ઉષા અને જેડી વેન્સની મુલાકાત પ્રખ્યાત 'યેલ લો સ્કૂલ' (Yale Law School) માં અભ્યાસ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ વર્ષ 2014માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા.