Tue Jul 21 2026

Logo

ફિફાની ફાઇનલ પછી ફાઇટિંગઃ સ્પેન-આર્જેન્ટિનાના ખેલાડીઓ વચ્ચે છૂટા હાથની મારામારી

New York City   2026-07-20 17:07:23
Author: Ajay Motiwala
Article Image

@FIFAWorldCup


ન્યૂ યૉર્કઃ રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ (Final)માં સ્પેને સંપૂર્ણ વર્ચસ્વ જમાવીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાને એક્સ્ટ્રા ટાઇમમાં 1-0થી હરાવીને લિયોનેલ મેસીના સંભવિત છેલ્લા વર્લ્ડ કપની મજા બગાડી હતી તેમ જ આર્જેન્ટિનાના હાથમાંથી વિજેતાપદનો હક છીનવી લીધો હતો, પરંતુ ફાઇનલ પછી જે કંઈ બન્યું એને લીધે હજારો પ્રેક્ષકોની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો હતો તેમ જ આ મૅચ જોનાર ટીવી તથા ઍપ પરના દર્શકો પણ નિરાશ હતા. વાત એવી છે કે ફાઇનલ બાદ રેફરીએ અંતિમ વ્હીસલ વગાડી ત્યાર બાદ બન્ને ટીમના કેટલાક ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી (Scuffle) થઈ હતી.

આર્જેન્ટિનાના પ્લેયરે હરીફને નીચે પાડ્યો

નવાઈની વાત એ છે કે ઝપાઝપીની આ ઘટનામાં સામેલ મોટા ભાગના ખેલાડીઓ સ્પેનની બાર્સેલોના ક્લબ વતી રમી ચૂકેલા હતા. સ્પેનના ખેલાડીઓ 16 વર્ષે ફરી જીતવા મળેલી ટ્રોફી બદલ આનંદ માણી રહ્યા હતા ત્યારે આર્જેન્ટિનાના મિડફીલ્ડર લીઍન્ડ્રો પારડેસે (Paredes) સ્પેનના એરિક ગાર્સિયાને હડસેલ્યો હતો. ત્યાર બાદ બીજા હરીફ ખેલાડીઓ દોડી આવ્યા હતા અને એકમેકને ધક્કે ચડાવવા લાગ્યા હતા. આર્જેન્ટિનાના એક પ્લેયરે સ્પૅનિશ પ્લેયરને મુક્કા મારીને બે વખત નીચે પાડ્યો હતો.

ફૂટબૉલની રમતને કલંક લાગ્યો

આ વખતના વર્લ્ડ કપમાં મૅચ દરમ્યાન એકમેકને ધક્કો મારીને કે પગ વચ્ચે નાખીને નીચે પાડવાની અસંખ્ય ઘટનાઓ બની હતી ત્યારે ફાઇનલ પછી પણ ખેલાડીઓ વચ્ચે એ જ શરમજનક દૃશ્ય જોવા મળતાં ફૂટબૉલની રમતને કલંક લાગ્યો હતો.

કોચે વચ્ચે પડીને બધાને શાંત પાડ્યા

ખેલાડીઓ મારામારી પર ઊતરી આવતાં તેમ જ કેટલાક કિસ્સામાં હરીફ પ્લેયરનું ગળું પકડી લેવાની ઘટના બનતાં બન્ને ટીમના કોચિંગ સ્ટાફના મેમ્બર્સ તથા રેફરી દોડી આવ્યા હતા અને બધાને એકમેકથી દૂર લઈ જઈને શાંત પાડ્યા હતા.