રૉઝેરિયો (આર્જેન્ટિના): 2022 ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન અને 2026 વિશ્વ કપના રનર-અપ આર્જેન્ટિનાનો કૅપ્ટન લિયોનેલ મેસી (Messi) થોડા દિવસ આરામ કરવા માટે તેમ જ બીમાર પિતા પાસે રહેવા માટે મંગળવારે વહેલી સવારે અમેરિકાથી સ્વદેશ આર્જેન્ટિનામાં પાછો આવ્યો હતો, પણ ત્રણ કલાકથી તેની રાહ જોઈને ઊભેલા તેના અસંખ્ય ચાહકો (Fans)ને તે જોવા નહોતો મળ્યો.
મેસી વર્લ્ડ કપ રમવા ગયો હતો અને પત્ની ઍન્ટોનેલા તેમ જ ત્રણ પુત્ર સાથે પાછો આવ્યો હતો. આ જ મહિનામાં તે પાછો અમેરિકા જશે જ્યાં તે ઇન્ટર માયામીની ટીમ વતી એમએલએસ ટૂર્નામેન્ટમાં રમશે.
મેસીના અનેક ચાહકો સોમવારે મધરાત બાદ 3.00 વાગ્યાથી વિમાનીમથકે મેસીની રાહ જોઈ રહ્યા હતા. ફ્લોરિડાથી તેનું પ્રાઇવેટ જેટ તેના શહેર રૉઝેરિયો નજીકના મથક પર સવારે 6.27 વાગ્યે આવી પહોંચ્યું હતું. મેસીના ઘણા ચાહકો તો વેલકમ-પોસ્ટર તેમ જ રાષ્ટ્રધ્વજ સાથે ત્રણ કલાકથી ઊભા હતા.
જોકે ઍરપોર્ટ નજીક (ચાહકોના ટોળાથી દૂર) તેની સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી) ઊભી જ રાખવામાં આવી હતી એટલે મેસી સપરિવાર એમાં બેસી ગયો હતો અને 300 કિલોમીટર દૂર આવેલા નિયત સ્થળે પહોંચી ગયો હતો. ટૂંકમાં, ઍરપોર્ટ પર રાહ જોતા ઊભેલા ચાહકોને મેસી જોવા જ ન મળ્યો.