Wed Jul 22 2026

Logo

શાકભાજીની જેમ ટ્રોફીને પ્લાસ્ટિકની થેલીમાં પધરાવીને આ ભાઈએ તો ચાલતી પકડી...જાણી લો આખો મામલો

Newyork   2026-07-21 12:54:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્ક: ફિફા વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત 48 દેશ વચ્ચે રમાયેલી વિશ્વની એક જ રમતની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાં ટ્રોફી જીતવી એ સૌથી મોટું ગૌરવ કહેવાય, પરંતુ એ ટ્રોફી સાથે જો માનપૂર્વક વ્યવહાર કરવાને બદલે એનું જરા પણ અપમાન કરવામાં આવે એ બાબત તે વ્યક્તિ માટે તેમ જ તેના દેશ માટે શરમજનક કહેવાય.

રવિવારે અહીં ન્યૂ જર્સી સ્ટેડિયમમાં 23મા ફિફા વિશ્વ કપનું ટાઈટલ સ્પેને જીત્યા પછી કંઈક આવું જ બન્યું. સ્પેન 2010 બાદ (16 વર્ષ પછી) ફરી એક વખત ફિફા વર્લ્ડ ચેમ્પિયન બન્યું એટલે સ્વાભાવિક રીતે સ્પેનના દરેક ખેલાડીએ ગર્વથી માથું ઊંચું રાખીને સ્ટેડિયમમાંથી વિદાય લીધી હતી.

જોકે સ્પેનનો ખેલાડી માર્ક કુકુરેલા ગર્વથી સ્ટેડિયમમાંથી બહાર આવ્યો, પરંતુ તેણે ટ્રોફી સાથે જે કંઈ કર્યું એ શર્મનાક કહેવાય. લોકો જેમ ફેરિયા પાસેથી કે દુકાનમાંથી શાકભાજીને પ્લાસ્ટિકની થેલીમાં પધરાવીને ચાલતી પકડે એવું કુકરેલાએ વર્લ્ડ કપ જીત્યા પછી પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફી સાથે કર્યું હતું.
 

કુકુરેલા (Cucurella) સાથી ખેલાડીઓ ભેગો બહાર આવી રહ્યો હતો ત્યારે તેના હાથમાં પ્લાસ્ટિકની બૅગ હતી અને એમાં રાખેલી વર્લ્ડ કપ ટ્રોફી દેખાતી હતી.

સામાન્ય રીતે ફિફા 18 કૅરેટ ગોલ્ડથી બનાવેલી (અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતની) ઑરિજનલ વર્લ્ડ કપ ટ્રોફી (Trophy) તો સ્વિટઝરલૅન્ડમાં પોતાની પાસે (પોતાના હેડ કવોર્ટરના કબાટમાં) રાખે છે અને વર્લ્ડ કપ જીતનારી ટીમને એની સુવર્ણ જડિત રેપ્લિકા (અસલ ઑરિજિનલ ટ્રોફી જેવી જ દેખાતી ટ્રોફીની નકલ) આપે છે જેને એ ચેમ્પિયન ટીમ પોતાના ફૂટબૉલ ફેડરેશનને સુપરત કરી દે છે.

વર્લ્ડ કપ જીતનાર ટીમના પ્રત્યેક ખેલાડીને અસ્સલ ટ્રોફી જેવી જ ખાસ બનાવેલી નાનકડી ટ્રોફી ડ્રેસિંગ રૂમમાં ભેટ તરીકે આપવામાં આવે છે અને સ્પેનના ખેલાડી કુકુરેલા પાસે એ જ નાની ટ્રોફી હતી. જોકે એ ટ્રોફી પણ મૂલ્યવાન જ કહેવાય અને એને પ્લાસ્ટિકની બૅગમાં તે જે રીતે લઈ જઈ રહ્યો હતો એ વીડિયોમાં જોઈને ઘણા ફૂટબૉલ પ્રેમીઓને નવાઈ લાગી હતી અને તેમણે સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ પણ કરી હતી જેમાં કુકુરેલાની મજાક ઉડાવવામાં આવી હતી.

નફ્ફટ મિચલ માર્શનું અમદાવાદમાં હીન કૃત્ય

અમદાવાદમાં 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ઑસ્ટ્રેલિયાની ટીમના ખેલાડી અને હાલના કેપ્ટન મિચલ માર્શ દ્વારા ટ્રોફી સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું એને ક્રિકેટ પ્રેમીઓ હજી પણ ભૂલ્યા નથી. ફાઇનલમાં ભારતને હરાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે ઑલરાઉન્ડર માર્શ ટ્રોફી પર બન્ને પગ રાખીને બેઠો હતો. તેનું આ કૃત્ય લોકો હજી પણ નથી ભૂલ્યા. બેશરમ માર્શની ત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ટીકા થઈ હતી.