ન્યૂ યૉર્કઃ અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ (WC) યોજાઈ ગયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા ત્યાર બાદ એક અહેવાલે ચકચાર જગાવી છે જેમાં જણાવાયું છે કે વિશ્વ કપ દરમ્યાન આર્જેન્ટિનાના સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસી (MESSI)ને ચાર બૉમ્બ (BOMB)થી ઉડાડી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ સલામતી કવચ એટલું બધુ મજબૂત હતું કે હુમલાખોરો માટે એમાં સફળતા મેળવવા કોઈ જ અવકાશ નહોતો.
પોલીસ તંત્રના લીક થયેલા ડૉઝિયરમાં એવું જણાવાયું હોવાનું મનાય છે કે મેસીને બૉમ્બથી ઉડાડી દેવા ઉપરાંત બીજા ઘણા કાવતરાં ઘડવામાં આવ્યા હતા. બૉમ્બ હુમલામાં પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો પણ ભોગ લેવાની કથિત હુમલાખોરોની યોજના હતી. એ ઉપરાંત, મેદાન પર દોડી જવાની તેમ જ ખેલાડીઓને ઑનલાઇન પર અપશબ્દો કહેવાની પણ યોજના હોવાનું મનાય છે.
કહેવાય છે કે વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની જોર્ડન સામેની પ્રથમ લીગ મૅચ પહેલાં એક કૉલરે ડલાસ ઍરપોર્ટ પર કૉલ કરીને ધમકી આપી હતી કે તે અને તેના બે સાગરિત હોમમેડ બૉમ્બ તથા એઆર-15 રાઇફલ સાથે સ્ટેડિયમમાં ઘૂસી જઈશું અને જોરદાર હુમલા કરીશું.
આર્જેન્ટિનાની ઇજિપ્ત સામેની મૅચ પહેલાં પોલીસને ધમકી મળી હતી કે તેમણે સ્ટેડિયમની એક કચરાપેટીમાં ત્રણ બૉમ્બ ગોઠવ્યા છે. જોકે પોલીસે સ્નિફર ડૉગની મદદથી આખા સ્ટેડિયમમાં તપાસ કરી હતી જેમાં કોઈ વિસ્ફોટક પદાર્થ નહોતો મળ્યો.