Tue Jul 21 2026

Logo

મેસીની હાર પર અમિતાભ બચ્ચનનું ઇમોશનલ રિએક્શન, સ્પેન બન્યું નવું ચેમ્પિયન; જાણો બિગ બીએ શું કહ્યું?

2026-07-20 21:03:00
Author: Darshana Visaria
Article Image

ફિફા વર્લ્ડકપ 2026નો રોમાંચક અંત આવી ગયો છે. ફાઇનલના નિર્ણાયક મુકાબલામાં સ્પેને આર્જેન્ટિનાને પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ હાર સાથે જ ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીનું ફરી એકવાર વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટી ગયું અને તે મેદાન પર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. ફૂટબોલના જબરા ફેન એવા બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ રોમાંચક મેચ નિહાળી હતી અને મેસીની હાર બાદ તેમનો ઉત્સાહ વધારતી એક ખાસ પોસ્ટ શેર કરી છે. ચાલો જોઈએ બિગ બીએ કઈ રીતે મેસીને આશ્વાસ્ત કર્યો છે...

અમિતાભ બચ્ચને મેસીની હાર અને સ્પેનની જીત પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે હવે ગેમ ઓવર થઈ ગઈ છે. સ્પેન ચેમ્પિયન બન્યું છે અને મેસ્સીની હાર થઈ છે. મન દુઃખી છે અને આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. પરંતુ દરેક ચેમ્પિયનનો એક દિવસ આવે છે. જ્યારે પણ તમે આસપાસ નજર કરશો, ત્યારે તમને જણાશે કે ઘણા લોકો એવા છે જે તમારા કરતાં વધુ સારા છે. જે પ્રેમ તમારા હિસ્સામાં આવી રહ્યો છે તેનો સ્વીકાર કરો, બાકી બધું તો ઉપરવાળાની મહિમા છે.

ઉલ્લેખનીય છે કે, બિગ બી ક્રિકેટ અને ફૂટબોલના ખૂબ શોખીન છે, પરંતુ પોતાના કેટલાક અંગત અંધવિશ્વાસને કારણે તેઓ લાઈવ ક્રિકેટ મેચ જોવાનું ટાળે છે, જ્યારે ફૂટબોલ મેચ તેઓ અચૂક જુએ છે. ગઈકાલે એટલે કે રવિવારે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. એક્સ્ટ્રા ટાઈમ સુધી ખેંચાયેલી આ મેચમાં સ્પેને આર્જેન્ટિનાને હરાવીને બીજી વખત પુરૂષ ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મેચનો એકમાત્ર વિનિંગ ગોલ ફેરાન ટોરેસે કર્યો હતો અને તે મેચનો હીરો બન્યો હતો. 

અહીંયા તમારી જાણકારી માટે કે આર્જેન્ટિના અત્યાર સુધીમાં કુલ 3 વર્લ્ડકપ જીતી ચૂક્યું છે અને 2022નો વર્લ્ડ કપ પણ મેસીની કેપ્ટનશિપમાં જ આર્જેન્ટિનાએ જીત્યો હતો, પરંતુ આ વખતે સ્પેન સામે હાર થતાં તેમનો ચોથો વર્લ્ડકપ જીતવાનો મોકો હાથમાંથી સરી ગયો હતો. 

વાત કરીએ અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની તો, તેઓ ટૂંક સમયમાં જ પોતાના સુપરહિટ ક્વિઝ શો 'કોણ બનશે કરોડપતિ' (KBC)ની 18મી સીઝન સાથે નાના પડદા પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ઉપરાંત, બિગ બી અત્યારે સાઉથની સુપરહિટ ફિલ્મ 'કલ્કિ ટુ' (Kalki 2)ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેઓ 'અશ્વત્થામા'ના પાવરફુલ રોલમાં જોવા મળશે.