ભુજ: ઊંચા વ્યાજની લાલચ આપીને ગુજરાતભરના રોકાણકારોના કરોડો રૂપિયા હજમ કરી જનારી અમદાવાદની ‘યુનિક’ કંપની સામે ભુજમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. કંપનીના ચેરમેન અને એમ.ડી સહિત પાંચ હોદ્દેદારો સામે ભુજની મહિલા એજન્ટ મારફતે વિવિધ ૧૧૭ રોકાણો સામે પાકતી મુદ્દતે ચૂકવવાના થતાં રૂ ૧.૧૪ કરોડથી વધુ રકમનું ફૂલેકું ફેરવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.
ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા મહિલા એજન્ટ ભારતીબેન હેમંત શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, 'યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ' અને 'યુનિક મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી'ના ચેરમેન રાજકુમાર કૈલાસ રાય, એમ.ડી રાહુલ રાય, ઉત્કર્ષ રાય, ઉષા રાય અને જનરલ મેનેજર હસમુખ ડોડિયા અવારનવાર ભુજની હોટેલોમાં સેમિનાર યોજી ઊંચા કમિશન અને વિદેશ પ્રવાસની લાલચ આપતા હતા. ફરિયાદી અને અન્ય રોકાણકારોએ એફડી, રીકરિંગ અને એમઆઈએસ સ્કિમોમાં રૂ.૮૨.૪૫ લાખનું રોકાણ કર્યું હતું, જેની પાકતી મુદ્દતે વ્યાજ સાથે રૂપિયા ૧,૧૪,૭૯,૦૦૦ ચૂકવવાના હતા, પરંતુ કંપનીએ તેમાંથી માત્ર રૂ.૯.૨૭ લાખ જ પરત કર્યા હતા.
ભુજ બી-ડિવિઝન પોલીસે કંપનીના પદાધિકારીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, આ જ કંપની સામે અગાઉ ભુજ એ-ડિવિઝન, ગાંધીધામ અને અંજાર ઉપરાંત અમદાવાદ, જામનગર, મહેસાણા અને હૈદરાબાદમાં પણ કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
ઉત્સવ વૈદ્ય