રાજકોટઃ રાજકોટના લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. હવે તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે. હવે ગુણવત્તા અને સલામતીના તમામ પાસાની ચકાસણી કર્યા બાદ જ જે તે રાઈડ્સ માલિકને તે ચલાવવા માટેની મંજૂરી મળશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જુદી જુદી રાઈડ્સનું ફિટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. લોકમનોરંજનનું મુખ્ય આકર્ષણ ગણાતી રાઈડ્સના ફિટિંગ થયા બાદ હવે લાઈટિંગ અને ડેકોરેશન શરૂ થશે. હવે તેના લાયસન્સ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાઈડ્સની કસોટી શરૂ
ગુણવત્તા અને મજબૂતી પર પહેલા ધ્યાન આપવામાં આવશે. લોકમેળામાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લોકો આવતા હોય છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળઆમાં જુદી જુદી રાઈડ્સ તૈયાર કરવામાં આવી છે. દરેક રાઈડ્સમાં મજબૂતી અને સલામતીને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. જોડાણ, મશિનરી, અંદર બેસવાની સીટથી લઈને સીટબેલ્ટ સુધીના સલામતીના પાસાની ચકાસણી કરવામાં આવશે. આ માટે નિષ્ણાંતો દ્વારા આ દરેક રાઈડ઼્સની તપાસ કરવામાં આવશે. કસોટીમાં યોગ્ય રીતે પાસ થશે એ જ રાઈડ્સને ચલાવવા દેવા માટેની મંજૂરી આપવામાં આવશે.રાઈ઼ડ્સને નિયમ માપદંડ અનુસાર લાયસન્સ આપવામાં આવશે. સલામતીના મુદ્દે થોડી પણ ખામી જણાશે તો જરૂરી સુધારા વધારા કર્યા બાદ ફરીથી તપાસ થશે અને પછી જ લાયસન્સ આપવામાં આવશે. ઉપયોગ પહેલા સંપૂર્ણ રાઈડ્સ ચેક થશે અને પછી જ લોકો માટે તેને વાપરવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવશે.

સેફિટને પ્રાથમિકતા
લોકમેળાની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલે અને મુલાકાતીઓને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન પડે એ માટે વહીવટી તંત્રના 165 જેટલા કર્મચારીઓે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. દરેક કર્મચારીની ટીમ તૈયાર કરીને જુદા જુદા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. લોકમેળાનું લોકાર્પણ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ માટે તંત્રએ મેળાને પ્રાથમિકતા આપીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાણી-પીણી માટે વધારાના સ્ટોલની જગ્યા આપ્યા બાદ તંત્રએ રાઈડ્સના ફીટનેસ અને સેફ્ટિ ફીચરને પ્રાથમિકતા આપી છે. લાયસન્સ માટેની કસોટીમાં પાસ થયા બાદ રાઈડ્સ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. માત્ર રાઈડ્સની બેઠક વ્યવસ્થા જ નહીં મશીનરી અને રાઈડ્સ ચાલુ થયા બાદ પણ તેની યોગ્ય રીતે ચકાસણી થયા બાદ જ લાયસન્સ આપવામાં આવશે.