Fri Oct 02 2026

Logo

ભાવનગરમાં એક શખ્સે પોલીસકર્મીની વર્દીનો કાઠલો પકડીને દીવાલ સાથે પછાડ્યો! FIR દાખલ

2026-08-29 16:37:22
Author: Devayat Khatana
ભાવનગરમાં એક શખ્સે પોલીસકર્મીની વર્દીનો કાઠલો પકડીને દીવાલ સાથે પછાડ્યો! FIR દાખલ

ભાવનગર: શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઓન-ડ્યુટી પોલીસ કર્મચારી પર હુમલો અને ફરજમાં રુકાવટનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ ઘટના સંદર્ભે 29 ઓગષ્ટના રોજ મોડી રાત્રે એક ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, નિલમબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતાઅનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલે મીહીર ટાંક નામના શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તણૂક કરી હુમલો કરવા અંગે સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધાવી છે. આ બનાવ 28 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ બન્યો હોવાની વિગતો મળી હતી. 

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, 28 ઓગસ્ટની રાત્રે જ્યારે ફરિયાદી વિજયસિંહ પી.એસ.ઓ. (PSO) ટેબલ પર તેમની ફરજ પર હાજર હતા, ત્યારે રાત્રે 9 વાગ્યે આરોપી ત્યાં ઘસી આવ્યો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં આવીને જોરજોરથી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને ટેબલ પર હાથ પછાડીને કહ્યું હતું કે 'તેના ભાઈને કોઈએ છરી મારી છે અને તે સર.ટી. હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ ત્યાં પોલીસ ચોકીમાં કોઈ ફરિયાદ લેતું નથી. આવું કહીને તે યુવાન થોડીવાર માટે પોલીસ સ્ટેશનની બહાર જતો રહ્યો હતો.  

આ ઘટનાની દસેક મિનિટ બાદ તે આરોપી ફરીથી પી.એસ.ઓ. રૂમમાં આવ્યો હતો અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને બિભત્સ ગાળો આપવા લાગ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે વિજયસિંહે તેને ગાળો બોલવાની ના પાડીને શાંતિથી ફરિયાદ નોંધાવવા કહ્યું, ત્યારે તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ફરિયાદીની વર્દીનો કાઠલો પકડી લીધો હતો. ત્યારબાદ તેણે પોલીસ કર્મચારીને ધક્કો મારીને દીવાલ સાથે ભટકાડી દીધા હતા, જેના કારણે તેમને મુંઢ ઈજાઓ પહોંચી હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાઈ છે. અન્ય કર્મચારીઓએ વચ્ચે પડીને તેને બહાર કાઢ્યો ત્યારે તેણે બહારથી પણ પોલીસ સ્ટેશનની બહાર નીકળવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. 

આ સમગ્ર મામલે રાજ્યસેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા, હુમલો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 221, 352, 351(2), અને 351(3) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલાની આ ગંભીર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.