Sun Sep 06 2026

Logo

'ઇરાનમાંથી નીકળી જાઓ', તેહરાનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઇઝરી, ભારતીયોને યાત્રા ટાળવા કહ્યું

Tehran   2026-07-20 14:07:00
Author: Mumbai Samachar Team
'ઇરાનમાંથી નીકળી જાઓ', તેહરાનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઇઝરી, ભારતીયોને યાત્રા ટાળવા કહ્યું

તેહરાન: ઈરાન જવાની યોજના બનાવી રહેલા ભારતીય નાગરિકોને પોતાની યાત્રા મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે પોતાની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી એવા સમયે આવી છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે હુમલામાં વધારો થયો છે અને સમગ્ર પશ્ચિમ એશિયામાં સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. એડવાઈઝરીમાં તેહરાનમાં પહેલાથી જ હાજર ભારતીયોને કમર્શિયલ ફ્લાઈટ્સનો ઉપયોગ કરીને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે.

ભારતીયોને મુસાફરી મુલતવી રાખવાની સલાહ

ભારતીય દૂતાવાસે પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, "તાજેતરના દિવસોમાં ઈરાનમાં અસ્થિરતા અને સંઘર્ષનું સ્તર વધ્યું છે." તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "જે ભારતીય નાગરિકો કોઈપણ હેતુથી ઈરાન જવાની યોજના બનાવી રહ્યા છે, તેમણે સુરક્ષા પરિસ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી પોતાની મુસાફરી મુલતવી રાખવી જોઈએ. જે ભારતીયો પહેલાથી જ ઈરાનમાં છે, તેમણે ઉપલબ્ધ ફ્લાઇટ વિકલ્પોનો ઉપયોગ કરીને થોડા સમય માટે ઈરાનમાંથી બહાર નીકળવા પર વિચાર કરવો જોઈએ."

જે ભારતીય નાગરિકો ઈરાનમાં જ રહેવાનો નિર્ણય લે છે, તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ ખૂબ જ સાવચેતી રાખે, સ્થાનિક ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખે અને સૈન્ય પ્રવૃત્તિઓવાળા વિસ્તારો, ખાસ કરીને ઈરાનના દક્ષિણ ભાગની નજીકના વિસ્તારોમાં જવાથી બચે. આ સાથે જ સ્થાનિક સત્તાવાળાઓના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવવાની સલાહ

એડવાઈઝરીમાં ઈરાનમાં હાજર તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે જેમણે હજી સુધી દૂતાવાસ પાસે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓ તરત જ રજીસ્ટ્રેશન કરાવી લે અને વધુ માહિતી માટે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા ચેનલોને નિયમિતપણે જોતા રહે.

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો

આ એડવાઈઝરી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ વધી ગયો છે. રવિવારે ઈરાને કહ્યું કે અમેરિકાએ તેના નિર્માણાધીન દારખોવિન અણુઉર્જા પ્લાન્ટ અને અન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. તેના જવાબમાં ઈરાને આ વિસ્તારમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ જણાવ્યું છે કે તે ઈરાનના દારખોવિનમાં બની રહેલા અણુઉર્જા પ્લાન્ટ પર થયેલા હુમલાના અહેવાલોની તપાસ કરી રહી છે.