Tue Jul 21 2026

Logo

સંસદના ચોમાસું સત્રમાં છ મહત્વના બિલ રજૂ થશે, બે બિલ પર વિવાદની શકયતા

2026-07-20 16:55:27
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દિલ્હીમાં આજથી શરૂ થયેલા સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર છ મહત્વના બિલ રજૂ કરશે. આ ઉપરાંત જો ડિલીમીટેશન બિલ રજૂ કરવામાં આવશે તો હંગામો ચોક્કસ થશે. જોકે, આ ઉપરાંત અન્ય છ બિલોથી બે બિલ પર વિવાદ થવાની શક્યતા છે. 

વિદેશી યોગદાન (નિયમન) સુધારો બિલ, 2026 અંગે વિવાદની શક્યતા 

સંસદના સત્રમાં રજૂ થનારા બે વિવાદિત બિલની વાત કરીએ તો પ્રથમ છે,
વિદેશી યોગદાન (નિયમન) સુધારો બિલ, 2026. આ  બિલમાં ગેર સરકારી સંગઠનો( એનજીઓ) ને મળનારા વિદેશી ફંડ પર કડક દેખરેખ રાખવાનો છે. 

એનજીઓનું એફસીઆરએ લાયસન્સ રદ થયા બાદ રિન્યૂ નહિ થાય 

આ બિલમાં જો કોઇ એનજીઓનું એફસીઆરએ લાયસન્સ રદ થાય તો રિન્યૂ કે નવું બનાવી શકાશે નહિ. આ ઉપરાંત એનજીઓની વિદેશી ફંડથી બનેલી સંપત્તિ ઓથોરીટી જપ્ત કરી શકે છે. તેની માટે કોઇ ન્યાયિક પ્રક્રિયા કે અદાલતના આદેશની જરૂર નહિ રહે. 

સંસ્થાના બંધારણીય અધિકારો પર તરાપ 

આ અંગે વિવાદ એટલે વકરી શકે છે કારણ કે વિપક્ષ અને કેટલાક સામાજિક સંગઠનો તેનો વિરોધ કરી શકે છે. તેમનો આરોપ છે કે સરકાર તેનો અલ્પસંખ્યક સંસ્થાઓ અને સરકારથી અસહમત સંસ્થાઓ વિરુદ્ધ દૂરઉપયોગ કરી શકે છે. જે સંસ્થાના બંધારણીય અધિકારો પર તરાપ છે.  

વંદે માતરમના અપમાન બદલ સજાની જોગવાઇ બિલનો વિરોધ 

આ ઉપરાંત બીજું વિવાદિત વિધેયક  રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026 છે. જેમાં  રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન કરવાના કૃત્યને - અથવા તેના ગાનમાં અવરોધ લાવવાને સજાપાત્ર ગુનો બનાવવા માટે રજૂ કરવામાં આવી રહ્યું છે.

વંદે માતરમને પણ  રાષ્ટ્રગીત જન ગણ મનની જેમ સમાન ગણવામાં આવશે

આ બિલ મંજૂર થયા બાદ  વંદે માતરમને પણ  રાષ્ટ્રગીત જન ગણ મનની જેમ સમાન ગણવામાં આવશે.  તેમજ વંદે માતરમના  અપમાન બદલ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડની સજા થશે. 

કોંગ્રેસ સરકારોએ તુષ્ટિકરણની રાજનીતિ કરી 

આ અંગે  ભાજપનો આરોપ છે કે અગાઉની કોંગ્રેસ સરકારોએ તુષ્ટિકરણની રાજનીતિને કારણે 'વંદે માતરમ'ને તેનું યોગ્ય સ્થાન આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે લઘુમતી સમુદાયોના એક વર્ગે ઐતિહાસિક રીતે ગીતના અમુક ભાગો પર વાંધો ઉઠાવ્યો છે.

વિપક્ષે બિલને ધ્રુવીકરણની રાજનીતિનો પ્રયાસ

વિપક્ષે આ બિલને ધ્રુવીકરણની રાજનીતિનો પ્રયાસ અને 'દેશભક્તિનું પ્રમાણપત્ર' લાદવાના પ્રયાસ તરીકે વર્ણવે છે. તેથી સંસદમાં 'અપમાન' ની વ્યાખ્યા પર હંગામો થઇ શકે છે. કારણ કે વિપક્ષ માને છે કે રાજકીય હેતુઓ માટે કાયદાનો દુરુપયોગ થઈ શકે છે.

આવકવેરા (સુધારા) બિલ, 2026 પણ રજૂ થશે

આ ઉપરાંત આવકવેરા (સુધારા) બિલ, 2026 પણ રજૂ થશે. જોકે,  વિપક્ષ વૈશ્વિક આર્થિક મંદી અને તેની નાણાકીય નીતિઓ પર સરકારને નિશાન બનાવે તેવી શક્યતા છે.

ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ચર્ચાઓ 

જ્યારે અન્ય બિલમાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારો બિલ, 2026 રજૂ થશે.  આ વટહુકમને બહાલી આપવાનો પ્રયાસ કરે છે જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવામાં આવશે. ન્યાયિક નિમણૂકો (કોલેજિયમ વિરુદ્ધ સરકાર) અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ચર્ચાઓ થઈ શકે છે.

જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026 રજૂ કરાશે 

આ ઉપરાંત મહત્વનું બિલ  જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026 છે. આ બે વર્ષથી વધુ વિલંબિત નોંધણી માટે પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટની પરવાનગી ફરજિયાત બનાવવાની દરખાસ્ત કરે છે. વિપક્ષ તેનો વિરોધ કરી શકે છે.કારણ કે તેનાથી પેપર વર્ક વધશે અને સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. 

MSME વિકાસ (સુધારા) બિલ, 2026  પણ રજૂ કરાશે 

નાના ઉદ્યોગોને વિલંબિત ચૂકવણીના મુદ્દાને સ્પર્શતું  MSME વિકાસ (સુધારા) બિલ, 2026  પર સંઘર્ષ શક્ય નથી. પરંતુ દેશના નાના વેપારીઓની વર્તમાન આર્થિક સ્થિતિ અંગે ચર્ચા થવાની અપેક્ષા છે.