Sat Sep 05 2026

Logo

‘ચલો સંસદ માર્ચ’ને લઈને દિલ્હી પોલીસ એલર્ટ; દિલ્હી અભેદ કિલ્લામાં ફેરવાયું, અનેક વિસ્તાર ‘નો-ગો ઝોન’...

2026-07-20 12:52:00
Author: Vimal Prajapati
‘ચલો સંસદ માર્ચ’ને લઈને દિલ્હી પોલીસ એલર્ટ; દિલ્હી અભેદ કિલ્લામાં ફેરવાયું, અનેક વિસ્તાર ‘નો-ગો ઝોન’...

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના આજે પહેલા દિવસે ‘ચલો સંસદ’ માર્ચને લઈને દિલ્હી પોલીસે એલર્ટ પર છે. દિલ્હી પોલીસ દ્વારા દરેકને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. સુરક્ષા માટે દિલ્હી પોલીસે નવી દિલ્હીને અભેદ કિલ્લામાં ફેરવી દીધી છે, સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 5000 થી પણ વધારે સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 25 બટાલિયન પણ સામેલ છે. 

સંવેદનશીલ વિસ્તારો ‘નો-ગો ઝોન’ તરીકે જાહેર 

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસે પીએમ આવાસ સહિત અનેક સંવેદનશીલ વિસ્તારોને ‘નો-ગો ઝોન’ જાહેર કરી દીધા છે. આ સાથે પોલીસ દ્વારા જાહેર સ્થળોએ પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જંતર-મંતર પર પોલીસે ત્રણ સ્તરમાં કિલ્લાની જેમ ઘેરાબંધી કરી દીધી છે. દિલ્હી પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન આપી કહેવામાં આવ્યું છે કે, સીજેપી દ્વારા ‘ચલો સંસદ’ માર્ચને લઈને કોઈ પરમીશન માંગવામાં આવી નથી. જેથી નવી દિલ્હી જિલ્લામાં બીએનએસએસની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે.

નવી દિલ્હીમાં કલમ 163  લાગુ કરી દેવામાં આવી

કલમ 163  હેઠળ પરવાનગી વિના પાંચ કે તેથી વધુ લોકો દ્વારા સરઘસ કે પ્રદર્શન પર પ્રતિબંધ છે. જેથી લોકોને સલાહ આપવામાં આવી છે કે, કોઈ પણ પ્રકારના અનધિકૃત પ્રદર્શનથી દૂર રહેવું અન્યથા કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સુરક્ષાને ધ્યાને રાખતા લુટિયન્સ દિલ્હીમાં ઈન્ટરનેટની સુવિધા પણ પ્રભાવિત થઈ છે. આદેશ એવો છે કે, નવા આદેશ સુધી આ વિસ્તારમાં નેટની સેવાઓ બંધ રહેશે.

 

સુરક્ષાના ભાગરૂપે આ રસ્તા સંપૂર્ણ રીતે બંધ

ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરક્ષાના ભાગરૂપે સંસદ ભવન, પીએમ આવાસ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, અશોકા રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પર અવર-જવર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો માટે પોલીસ દ્વારા બીજા વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા એક્સ પર સત્તાવાર પોસ્ટ કરીને જાહેરાત પણ કરવામાં આવી છે.