Thu Sep 10 2026

Logo

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસ નોંધાયા: ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ

2026-07-20 16:26:56
Author: Pooja Shah
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસ નોંધાયા: ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
સરકારે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૨ દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૯ કેસ ગુજરાતના અને ૩ કેસ રાજસ્થાનના દર્દીઓના છે. 

આ ઉપરાંત કુલ ૬૩ શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી ૫ ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને બાકીના ૮ નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું હજુ બાકી છે.હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં ૨, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક કેસ નોંધાયેલા છે.પ્રફુલ પાનશેરિયાએ બેઠકમાં જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ વિસ્તારમાંથી કેસ નોંધાયા બાદ તે પોકેટમાં સઘન દેખરેખ રાખવી અનિવાર્ય છે. વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા માટે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો સહિત હજારો ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ વાયરસના વાહક ગણાતા સેન્ડફ્લાય મચ્છર અને જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણની આસપાસના વિસ્તારોમાં ડસ્ટીંગ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યો છે. તમામ જિલ્લા મથકોની સિવિલ હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે આઈ.સી.યુ. બેડ, જરૂરી દવાઓ અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 

આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને સપ્ટેમ્બર માસ સુધી આ વાયરસની સક્રિયતા વધુ જોવા મળતી હોય છે. આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોને અસર કરતો હોવાથી, જો કોઈ બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, ખેંચ આવવી, ઉલટી-ઝાડા થવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો સહેજ પણ સમય બગાડ્યા વિના તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો. તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને નાગરિકોને ભયભીત ન થતાં માત્ર સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.