નવી દિલ્હીઃ દેશનાં ઈંધણનાં જાહેર ક્ષેત્રના ત્રણ મુખ્ય રિટેલરોની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન જુલાઈ મહિનાના પહેલા પખવાડિયામાં ચોમાસુ સાધારણ રહેતાં ખેડૂતો, વાહનચાલકોની માગને ટેકે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં તીવ્ર વધારો થયો છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન(આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)નું ગત તા. 1થી 15 જુલાઈ દરમિયાન પેટ્રોલનું વેચાણ ગત સાલના સમાનગાળાના 13.3 લાખ ટન સામે 22.9 ટકા વધીને 16.3 લાખ ટનની સપાટીએ રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ વેચાણ જુલાઈ 2024નાં પહેલા પખવાડિયાના 12.9 લાખ ટનનાં વેચાણની તુલનામાં 26.7 ટકા અને વર્ષ 2023ના વેચાણની તુલનામાં 38.6 ટકા વધુ છે.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં આર્થિક પ્રવૃત્તિનાં માપદંડ ગણાતા ડીઝલનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 20.9 ટકા વધીને 34.6 લાખ ટન (28.7 લાખ ટન)ની સપાટીએ રહ્યું હતું. ડીઝલનું આ વેચાણ વર્ષ 2024ના સમાનગાળાની તુલનામાં 18.4 ટકા અને વર્ષ 2023ના સમાનગાળાની તુલનામાં 13.9 ટકા વધુ છે. તેમ જ માસાનુમાસ ધોરણે જોઈએ તો આગલા જૂન મહિનાના પહેલા પખવાડિયામાં ડીઝલનું વેચાણ 39.4 લાખ ટનની સપાટીએ રહ્યું હોવાથી જૂનની સરખામણીમાં વેચાણમાં 12.1 ટકાનો ઘટાડો થયો છે.
સામાન્યપણે ઈંધણનાં વેચાણનો આધાર ચોમાસાની પ્રગતિ પર રહેતો હોય છે. ચોમાસામાં સિંચાઈના પંપ માટે અને વાહનો માટેની માગમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસુ વિલંબિત થયું હોવાથી ખેડૂતો ખેતીમાં સિંચાઈ માટે પંપનો ઉપયોગ કરી રહ્યા હોવાથી ડીઝલના વેચાણને ટેકો મળ્યો છે.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં જેટ ફ્યુઅલનું વેચાણ ગત સાલના સમાનગાળાની તુલનામાં સાધારણ 0.7 ટકા વધીને 3,15,400 ટનના સ્તરે રહ્યું હતું, પરંતુ આગલા જૂન મહિનાના પહેલા પખવાડિયાના 3,51,400 ટનના વેચાણની સરખામણીમાં ઘટાડો થયો છે. તેમ જ આ સમય દરમિયાન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી)નાં વેચાણમાં ઘટાડો જળવાઈ રહેતાં વેચાણ 17.5 ટકા ઘટીને 11.4 લાખ ટનના સ્તરે રહ્યું હોવાનું જણાવ્યું હતું.
Chat GPT Generated Image