Sun Sep 06 2026

Logo

સોનગઢ ચેકપોસ્ટ પાસે લાકડાચોરોનો પીછો કરતા આરએફઓ બન્યા અકસ્માતનો ભોગ, વન પ્રધાને આપી શ્રદ્ધાંજલિ

2026-07-20 17:00:00
Author: Pooja Shah
સોનગઢ ચેકપોસ્ટ પાસે લાકડાચોરોનો પીછો કરતા આરએફઓ બન્યા અકસ્માતનો ભોગ, વન પ્રધાને આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ તાપી જિલ્લાના સોનગઢ ગામે વન વિભાગની ટીમના એક અધિકારીનું અકસ્માતમાં મોત થયું હતું, તેમની સાથે અન્ય એક યુવાન પણ મોતને ભેટ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તાપી જિલ્લાના સોનગઢ ચેકપોસ્ટ પાસે અકસ્માત થયો હતો. અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર તાપ્તી રેન્જના જંગલમાંથી ગેરકાયદે લાકડાની ચોરી કરી રહેલા ચોરનો પીછો રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરી રહ્યા હતા.

વન વિભાગને બાતમી મળ્યા બાદ આરએફઓ વિકાસ દેસાઈએ વહેલી સવારે ચારેક વાગ્યે ઑપરેશન શરૂ કર્યું હતું. તેમણે ઉકાઈ તરફથી આવી રહેલી એક ગાડીને રોકવાની સ્ટાફને જણાવ્યું હતું, પરંતુ લાકડાચોર પોતાનું વાહન પુરપાટ ઝડપે લઈ ભાગી નીકળ્યા હતા. વિકાસ દેસાઈએ એક મિનિટ પણ વિચાર ન કરતા ત્યાં હાજર યુવાન સાથે પોતાનું વાહન તેમના વાહન પાછળ હંકારી માર્યું હતું. 


ફિલ્મી દૃશ્યની જેમ સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અટચાનક પીછો કરી રહેલી કાર અને લાકડાચોરોની કાર અહીં ઊભેલા એક કન્ટેનર સાથે અથડાઈ હતી અને દેસાઈ તેમ જ તેમની સાથેનો યુવાન રેહાન ગામીત ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. દેસાઈના મૃત્યુ બાદ વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને અધિકારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે  જણાવ્યું હતું કે ખેરના કીમતી લાકડાની ચોરી કરીને ભાગી રહેલા તસ્કરોની માહિતી મળતા જ રૅન્જ ફોરેસ્ટ ઑફિસર વિકાસ દેસાઈએ ફરજ પ્રત્યેની નિષ્ઠા અને અડગ જવાબદારીભાવ સાથે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરોના વાહનનો પીછો કરતી વખતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં તેઓ શહીદ થયા. વન અને પ્રકૃતિના રક્ષણ માટે પોતાના જીવનું બલિદાન આપનાર આવા નીડર અધિકારી સમગ્ર વન પરિવાર માટે હંમેશાં પ્રેરણાસ્રોત બની રહેશે. મૂળ પાટણ જિલ્લા (ભાટસર) ના વતની દેસાઈ પોતાની પાછળ માતા-પિતા, પત્ની અને પાંચ વર્ષના પુત્રને વિલાપ કરતાં છોડી ગયા છે.