Fri Sep 04 2026

Logo

દિલ્હી પોલીસ ઊંઘતી ઝડપાઈ: તમામ બેરિકેડ્સ તોડીને સંસદભવન સુધી પહોંચી 'કોકરોચ જનતા પાર્ટી', સરકારની ઊંઘ હરામ

2026-07-20 15:58:00
Author: Devayat Khatana
દિલ્હી પોલીસ ઊંઘતી ઝડપાઈ: તમામ બેરિકેડ્સ તોડીને સંસદભવન સુધી પહોંચી 'કોકરોચ જનતા પાર્ટી', સરકારની ઊંઘ હરામ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આજે સુરક્ષા એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી, જ્યારે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતૃત્વમાં નીકળેલી કૂચ તમામ અવરોધો પાર કરીને છેક સંસદ ભવનના પરિસરની નજીક ગઈ હતી. સામાન્ય રીતે પોલીસ વિરોધ પ્રદર્શનોને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પાસે જ ડામી દેતી હોય છે, પરંતુ વર્ષો પછી એવી સ્થિતિ સર્જાય છે કે જ્યાં દેખાવકારો સંસદની આટલા નજીક પહોંચ્યા હોય. સ્થિતિ વણસતી જોઈને કૃષિ ભવન અને રેલ ભવનના સર્કલ પાસે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ભીડને વિખેરવા ટીયર ગેસના અસંખ્ય રાઉન્ડ છોડ્યા હતા.

આ અફરાતફરીને પગલે પ્રશાસને ત્વરિત પગલાં ભરીને સંસદના તમામ પ્રવેશદ્વારો બંધ કરી દીધા હતા, જેના દ્રશ્યો મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. સંસદ પરિસરની અંદર કમાન્ડો અને જવાનો દ્વારા સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. બીજી તરફ, રસ્તાઓ પર કેમિકલ ગેસના ધુમાડા વચ્ચે જીવ બચાવવા દોડતા પ્રદર્શનકારીઓના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના વિસ્તારો જેમ કે પ્રેસ ક્લબ, કોન્સ્ટિટ્યુશન ક્લબ અને આરબીઆઈ તરફથી આવતા રસ્તાઓ પર પણ પોલીસે કડક નાકાબંધી કરીને લોકોને રોક્યા હતા. 

આ આખા વિવાદનું મુખ્ય કારણ નીટ (NEET) પરીક્ષાના પેપર લીક મામલે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ છે, જેના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે શરૂ કરેલા અને છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા આ આંદોલન વચ્ચે એક મોટા સમાચાર એ આવ્યા છે કે, અભિજીત દીપકેએ પોતાના ત્રણ દિવસના જ ઉપવાસને સમેટી લીધા છે. સોનમ વાંગચુકના સંદેશ બાદ તેમણે પારણાં કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 

આ દરમિયાન સરકારે આંદોલન પૂર્ણ કરવા માટે કોકરોચ જનતા પાર્ટી સાથે મંત્રણા માટે તેડું મોકલ્યું છે. સરકારના આ સત્તાવાર આમંત્રણ બાદ સૌરવ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડા સાથે મંત્રણા કરવા પહોંચી ગયા છે, જ્યાં આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા માટે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.