Thu Sep 03 2026

Logo

આણંદમાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરનાર એન્કાઉન્ટરમાં ઠાર, હેવાને રેપ કર્યાની આશંકા

2026-07-20 10:01:00
Author: Vimal Prajapati
આણંદમાં 3 વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરનાર એન્કાઉન્ટરમાં ઠાર, હેવાને રેપ કર્યાની આશંકા

આણંદઃ વાસદામાં થોડા દિવસ પહેલા એક ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસે ફાયરિંગમાં ઠાર કર્યો હોવાના અહેવાલ મળ્યાં છે. આરોપી સુરેશ પરમારે માસૂમ બાળકીનું અપહરણ કરીને તેની નિર્મમ હત્યા કરી હતી. એટલું જ નહીં પરંતુ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પણ આશંકા છે. હવે આરોપીને પોલીસે એન્કારઉન્ટરમાં ઠાર કરી દીધો છે. 

પોલીસે સ્વબચાવમાં આરોપી પર ગોળીબાર કર્યો

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, આ કેસમાં બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંર પછી જ્યારે પોલીસ આરોપીને આણંદ લાવી રહી હતી, તે દરમિયાન આરોપીએ ઊલટી થતી હોવાનું બહાનું કાઢીને વાહન ઊભું રખાવ્યું હતું. આ દરમિયાન તેણે પાસે રાખેલ છરી વડે પોલીસ કર્મચારી પર હુમલો કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો જેમાં બે પોલીસ કર્મચારી ઘાયલ થયા હતાં. પીએસઆઈ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ આરોપી માન્યો નહીં જેથી પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો. જેમાં આરોપીને બે ગોળીઓ વાગી હતી. 

એન્કાઉન્ટર અંગે પોલીસે સત્તાવાર નિવેદન નથી આપ્યું

આરોપીને ગોળી વાગી હોવાથી પોલીસે તેને કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આરોપી સુરેશ પરમારના મૃતદેહને કરમસદ મેડિકલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર એન્કાઉન્ટર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, આ મામલે પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો

ઘટના એવી હતી કે, આરોપીએ વાસદ રેલવે સ્ટેશન પરથી બાળકીનું અપહરણ કર્યું હતું. તે પછી વહેલી સવારે પ્લેટફોર્મના છેલ્લા ભાગેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને તપાસ શરૂ કરી ત્યારે બાળકી પર દુષ્કર્મ થયું હોવાની આશંકા છે, આ સાથે આરોપીએ પુરાવાનો નાશ કર્યો હોવાની પણ આશંકા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને એફએસલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે  છથી સાત ટીમો બનાવી હતી. સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો.