વર્ષ 2026માં શિક્ષણ પ્રણાલી, પેપર લીક અને રોજગાર નીતિ જેવા ગંભીર મુદ્દાઓ સામે યુવાઓનો ગુસ્સો 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના 'કોકરોચ મૂવમેન્ટ' તરીકે રસ્તા પર દેખાઈ રહ્યો છે. જોકે, વાત કરીએ ભારતના ઈતિહાસમાં થયેલાં આટલા વિશાળ આંદોલનની તો આ પહેલીવાર નથી જ્યારે કોઈ લોકઆંદોલને સિસ્ટમને ઝંઝોળી મૂકી હોય. આ પહેલાં પણ દેશમાં અનેક એવા મોટા રાષ્ટ્રવ્યાપી આંદોલનો થયા છે, જેને કારણે દેશની રાજકારણ, કાયદા અને લોકતાંત્રિક પ્રક્રિયાઓને એક નવો આકાર આપ્યો છે. ચાલો જાણીએ ભારતના એવા પાંચ ઐતિહાસિક આંદોલનો વિશે જેણે ઈતિહાસ બદલી નાખ્યો...
અણ્ણા હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન (2011)
આધુનિક ભારતનું આ સૌથી મોટું નાગરિક આંદોલન હતું. સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેના નેતૃત્વમાં દિલ્હીના રામલીલા મેદાનથી શરૂ થયેલા આ આંદોલને દેશભરના મધ્યમ વર્ગ અને યુવાનોને રસ્તા પર લાવી દીધા હતા. 'જન લોકપાલ બિલ'ની માંગ સાથે થયેલા આ વિરોધ પ્રદર્શનના કારણે અંતે લોકપાલ કાયદો પસાર થયો અને આ આંદોલનમાંથી જ 'આમ આદમી પાર્ટી' (AAP) જેવી મોટી રાજકીય તાકાતનો ઉદય થયો.
જેપી આંદોલન (1974)
લોકનાયક જયપ્રકાશ નારાયણ (JP)ના નેતૃત્વમાં બિહારથી શરૂ થયેલું આ વિદ્યાર્થી આંદોલન ભારતના લોકશાહી ઇતિહાસનો સુવર્ણ અક્ષર છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી સામે જેપીએ 'સંપૂર્ણ ક્રાંતિ'નું આહવાન કર્યું હતું. આ આંદોલનના કારણે જ 1975માં દેશમાં કટોકટી (Emergency) લાદવામાં આવી હતી અને કટોકટી હટ્યા બાદ 1977માં દેશમાં પહેલીવાર કેન્દ્રમાં બિન-કોંગ્રેસી (જનતા પાર્ટી) સરકાર બની હતી.
શાહીન બાગ અને સીએએ વિરોધી આંદોલન (2019-2020)
નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગથી શરૂ થયેલું આ આંદોલન દેશના સૌથી મોટા શાંતિપૂર્ણ પ્રદર્શનોમાંનું એક હતું. આ આંદોલનનું નેતૃત્વ મુખ્યત્વે મહિલાઓએ કર્યું હતું. સીએએ અને એનઆરસીના વિરોધમાં મહિનાઓ સુધી ચાલેલા આ ધરણાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી, જે અંતે કોવિડ-19 મહામારીના લોકડાઉન બાદ સમાપ્ત થયું હતું.
ખેડૂત આંદોલન (2020-2021)
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ થયેલું ખેડૂત આંદોલન આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ અને સૌથી સંગઠિત આંદોલન ગણાય છે. દિલ્હીની સિંઘુ અને ટીકરી સરહદો પર હજારો ખેડૂતોએ એક વર્ષથી વધુ સમય સુધી ડેરા નાખ્યા હતા. ભારે વિરોધ, વાટાઘાટો અને લાંબી લડત બાદ છેવટે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરવી પડી હતી.
ચિપકો આંદોલન (1973)
ભારતના પર્યાવરણ ઇતિહાસમાં 1973નું ચિપકો આંદોલન સૌથી સફળ અને અનોખું આંદોલન છે. વર્તમાન ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જ્યારે વ્યાપારી ધોરણે વૃક્ષો કાપવાની શરૂઆત થઈ, ત્યારે સ્થાનિક ગ્રામીણ મહિલાઓ વૃક્ષોને બચાવવા માટે તેમને ગળે વળગી ગઈ હતી. આ અહિંસક વિરોધના કારણે કેન્દ્ર સરકારે હિમાલયન ક્ષેત્રમાં વ્યાપારી ધોરણે વૃક્ષો કાપવા પર 15 વર્ષનો પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.