Thu Aug 20 2026

Logo

GEN Z અંગે શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી? યુવાનો માટે આપી ખાસ સલાહ

2026-08-19 21:17:36
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ જેન ઝી (GEN Z)ને લઈને બાબા રામદેવ, કંગના રનૌત બાદ હવે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની વાત શૅર કરી છે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ GEN Zને લઈને વાત કરતા કહ્યું કે આ એક એવી પેઢી છે જે તમામ મુદ્દાઓને સમજે છે. 

આ પેઢી ખૂબ જ ઝડપથી વિચારે છે, આ યુવાનોનો કામ કરવાનો અભિગમ અલગ છે અને કામકાજ કરવાની શૈલી પણ અલગ છે. આ યુવાનોમાં પોતાનો હક માગવાનો જોશ પણ ઘણો અલગ છે. આ યુવાનોનો દેશ છે આ દેશને આઝાદી પણ યુવાનોએ પણ અપાવી છે. આ GEN Z પેઢી ઝૂકતી પણ નથી અને રોકાતી પણ નથી. 

યોગ્ય દિશા હોવી અનિવાર્ય

હું આ યુવાનોને એટલું કહેવા માગુ છું કે, આપણે એ યાદ રાખવું પડશે કે, ગતિ સાથે યોગ્ય દિશાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. હું પણ મનથી સંપૂર્ણ રીતે GEN Z છું. આ પેઢી પોતાની સાથે રહેલાઓમાં પણ રંગ ભરી દે છે. આજે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં બધાય જાય છે. આ યુવાનોની શક્તિ છે. આ જ યુવાનોની તાકાત છે. 

GEN Zની ભાષા કેટલા લોકો સમજે છે? હું ભલે આ ભાષા ન સમજુ પણ એમની ભાવનાઓને સારી રીતે સમજુ છું. હું એમના શબ્દોને સમજવાનો પ્રયાસ અવશ્ય કરૂ છું. હું આ યુવાનોને કહેવા માગુ છું કે, તમે એ વાતનું ધ્યાન રાખો કે, વિચાર નવા હોય પણ સંસ્કાર જૂના હોય. આપણે કોઈના હાથનું રમકડું બનવાનું નથી. આપણે આપણા સંસ્કારનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ પેઢીએ કથાપ્રેમી થવાની પણ જરૂર છે. 

એટલું બધુ પણ બદલવાની જરૂર નથી

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉમેર્યું કે યુવાનોને હું એટલું જ કહેવા માગુ છું કે, આપણે બદલતા સમયની સાથે બદલવું પડશે. પણ એટલું પણ ન બદલવું જોઈએ કે, દેશ પર આની આડઅસર થાય.પોતાની વાત રજૂ કરવાનો દરેકને અધિકાર છે. દરેકને તેનો હક છે. તમે સમય મર્યાદાનું પાલન કરો અને યોગ્ય રજૂઆત કરો એ મહત્ત્વનું છે. 

કોઈનો વિરોધ કરતા કરતા તિરંગાનો વિરોધ ન કરવો જોઈએ. જોકે આ પહેલા બાબા રામદેવ અને કંગના રણૌત પણ આ પેઢીને લઈને વાતચીત કરી ચૂક્યા છે. ફરી દેશમાં 'જેન ઝી'નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેને લઈને દરેક સેક્ટરના મોટા લોકો વાતચીત કરી રહ્યા છે.