Thu Sep 10 2026

Logo

રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપની 'મેન્ડેટ' પ્રથાનો ભંગ: બારડોલીની હાર બાદ મોટો નિર્ણય?

2026-08-20 17:56:01
Author: Devayat Khatana
રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપની 'મેન્ડેટ' પ્રથાનો ભંગ: બારડોલીની હાર બાદ મોટો નિર્ણય?

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
બારડોલી સહકારી શુગર મિલની ચૂંટણીમાં તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના (ભાજપ) ધારાસભ્ય સહિત આખી પૅનલની હાર થઈ હતી, જેની ચર્ચા સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચાલી રહી છે. તેવા સમયે એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ ગણાતા રાજકોટ લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણીની પણ ખૂબ જ ચર્ચા જાગી છે. જો કે આ ચૂંટણીમાં ભાજપની ઓળખ ગણાતી મેન્ડેટ પ્રથાને કથિત રીતે નેવે મૂકવામાં આવી હોવાની ચર્ચા જાગી છે, કારણ કે આ ચૂંટણી માટે જેટલા પણ ઇચ્છુક હોય તેટલા ઉમેદવારોને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની ખુદ પાર્ટી દ્વારા જ છૂટ આપવામાં આવી હોવાની બાબતે અનેક તર્ક-વિતર્ક જગાવ્યાં છે. 

મળતી વિગતો અનુસાર આગામી 8મી સપ્ટેમ્બરના રાજકોટ લોધિકા સહકારી સંઘની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ સંઘમાં 61 પૈકી 59 મંડળી ભાજપ સમર્થિત હોવાનું જાણવા મળતા છેક ગાંધીનગર સુધી તાર લંબાવવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ચૂંટણીમાં પણ પાર્ટી તરફથી સત્તાવાર રીતે મેન્ડેટ આપવામાં આવે તે પહેલા જ કેટલાક ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા. 

રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે જો પાર્ટી દ્વારા ફોર્મ પરત ખેંચવાની સૂચના આપવામાં આવે તો અન્ય સહકારી સંઘોની ચૂંટણીમાં બળવા થયા હતા તેવી સ્થિતિ સર્જાવાની ભીતિ હતી, આથી જ અંતે પ્રશિક્ષણ વર્ગ શરૂ હોવાથી મેન્ડેટ ન પહોંચ્યા હોવાનું બહાનું આગળ ધરીને ઇચ્છુક તમામ ઉમેદવારોને ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવી હોવાની ચર્ચા જાગી હતી. 

ઉલ્લેખનીય છે કે રાજકોટની લોધિકા સહકારી મંડળીની સામાન્ય ચૂંટણી 8 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે, જેના માટે 17થી 20 ઓગસ્ટ દરમિયાન ઉમેવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. 20 ઓગષ્ટના છેલ્લો દિવસ હોવા છતાં પાર્ટી તરફથી સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો નહોતો. 

જોકે, બીજી તરફ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે હાલ ભાજપના પ્રશિક્ષણ વર્ગ ચાલતા હોવાથી મેન્ડેડ આપવામાં આવેલ નથી અને આથી તમામને ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે સૂચના આપી હતી. જોકે, આ નિર્ણયથી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સહકારી ચૂંટણીમાં શરૂ કરવામાં આવેલી મેન્ડેટ પ્રથાનો પ્રથમ વખત સત્તાવાર રીતે ભંગ થયો હોવાની ચર્ચા જાગી છે.