લંડનઃ શારીરિક રીતે અક્ષમ (દિવ્યાંગ) ક્રિકેટરો માટે અહીં બુધવારે ઐતિહાસિક લૉર્ડસ (Lord's)ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મૅચમાં ભારતે યજમાન ઇંગ્લૅન્ડને હરાવીને મેદાન પર તો જોરદાર સેલિબ્રેશન કર્યું જ હતું, પરંતુ એ ઉપરાંત ખાસ કરીને લૉર્ડ્સની આઇકૉનિક બાલ્કનીમાં પણ (24 વર્ષ પહેલાં સૌરવ ગાંગુલીએ ટી-શર્ટ કાઢીને કર્યું હતું એ રીતે) ભારતીય ખેલાડીઓનું યાદગાર સેલિબ્રેશન પણ થયું હતું. બુધવારની આ મૅચ માટેની ભારતીય ટીમમાં એક ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ હતો.
દિવ્યાંગોની મૅચમાં શું બન્યું?
આ મૅચ ભારતની અને ઇંગ્લૅન્ડની મિક્સ્ડ ડિસઍબિલિટી (Disability) ટીમ વચ્ચેની હતી જેમાં ભારતના દિવ્યાંગ ક્રિકેટરોની ટીમનો 118 રનથી વિજય થયો હતો. ભારતીય ટીમે બ્રિટિશ ખેલાડીઓ પર સંપૂર્ણ વર્ચસ્વ રાખ્યું હતું. ભારતે આ ટી-20 મૅચમાં ચાર વિકેટે 206 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન માજિદ મૅગે્ર (19 બૉલમાં અણનમ 63) અને અર્જુન ગાવરે (44 બૉલમાં 68 રન)ની હાફ સેન્ચુરી ઉપરાંત ઓપનર સાઇ પ્રકાશ (38 બૉલમાં 48 રન)નું પણ મહત્ત્વનું યોગદાન હતું.
When India wins at Lord’s, the celebrations hit different.
— Differently Abled Cricket Council of India (@dcciofficial) August 19, 2026
A moment of pure cricketing joy on the Lord’s Balcony — coats off, spirits high, and the Tricolour flying with pride.
118 runs. One unforgettable celebration.@imRaviKChauhan@official_idca pic.twitter.com/o6IuoRJto8
ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 13.4 ઓવર રમી શકી અને એમાં એનો દાવ 88 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતના હિલાલ અહમદ વાની (ચાર ઓવરમાં 21 રનમાં ચાર વિકેટ) અને ગુજરાતી ખેલાડી જયેશ પરમાર (બે ઓવરમાં 14 રનમાં ત્રણ વિકેટ)ના શાનદાર બોલિંગ પર્ફોર્મન્સને લીધે ઇંગ્લૅન્ડની ટીમ 100 રન સુધી પણ નહોતી પહોંચી શકી. ઓપનર જૉની ગેલે 16 બૉલમાં 19 રન અને ઍન્ગસ બ્રાઉને 11 બૉલમાં 16 રન બનાવ્યા હતા.
ભારતે વિજય મેળવ્યો ત્યાર બાદ લૉર્ડ્સના સ્ટેડિયમની બાલ્કનીમાં ઊભેલા ભારતીય ખેલાડીઓમાંથી એક પ્લેયરે ટી-શર્ટ કાઢયું હતું અને એ ફરકાવીને સેલિબે્રશન કર્યું હતું. બીજા ખેલાડીએ બ્લેઝર કાઢીને ફરકાવ્યું હતું અને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું હતું. આખી ટીમ અને અધિકારીઓએ સેલિબે્રશનમાં જબરદસ્ત જોશ અને ઉત્સાહ બતાવ્યા હતા.

નૅટવેસ્ટની ફાઇનલમાં શું બનેલું?
2002માં 13મી જુલાઈની ફાઇનલમાં ઇંગ્લૅન્ડે માર્કસ ટ્રેસ્કોથિકના 109 રન, કૅપ્ટન નાસિર હુસૈનના 115 રન તેમ જ ફ્લિન્ટૉફના 40 રનની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટે 325 રન બનાવ્યા હતા. ઝહીર ખાને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે જવાબમાં કૅપ્ટન ગાંગુલીના 60 રન, વીરેન્દર સેહવાગના 45 રન તેમ જ યુવરાજ સિંહના 69 રન અને મોહમ્મદ કૈફના અણનમ 87 રન, હરભજન સિંહના 15 રન તેમ જ 10મા નંબરના બૅટ્સમૅન ઝહીર ખાનના અણનમ ચાર રનની મદદથી 49.3 ઓવરમાં આઠ વિકેટે 326 રન બનાવીને (ત્રણ બૉલ તથા બે વિકેટ બાકી રાખીને) રોમાંચક વિજય મેળવ્યો હતો. કૈફને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ગાંગુલીની પત્ની ડોનાએ શું કહ્યું?
2002માં નૅટવેસ્ટ ટ્રોફીની ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલ જીત્યા બાદ સૌરવ ગાંગુલીએ લૉર્ડ્સની બાલ્કનીમાં ઊભા રહીને ટી-શર્ટ કાઢીને ફરકાવ્યું હતું અને ઍન્ડ્રયુ ફ્લિન્ટૉફ સહિતના બ્રિટિશ ખેલાડીઓને જડબાતોડ જવાબ આપ્યો હોવાનો ઇશારો કર્યો હતો. જોકે ગાંગુલીની પત્ની ડોના ગાંગુલીએ વર્ષો બાદ એક મુલાકાતમાં કહ્યું હતું કે `સૌરવને પછીથી એવું લાગ્યું હતું કે તેણે સેલિબે્રશન દરમ્યાન ટી-શર્ટ નહોતું કાઢવું જોઈતું.'