Thu Sep 10 2026

Logo

લખનઊમાં સનસનાટી: પત્ની અને બહેનની હત્યા બાદ બેંક કર્મચારીએ હનુમાન ચાલીસા સાંભળતા કર્યો આપઘાત

2026-08-20 17:13:40
Author: Mumbai Samachar Team
લખનઊમાં સનસનાટી: પત્ની અને બહેનની હત્યા બાદ બેંક કર્મચારીએ હનુમાન ચાલીસા સાંભળતા કર્યો આપઘાત

લખનઊઃ સનકી કહી શકાય એવા હત્યારાઓ માત્ર ફિલ્મની સ્ક્રિન પર જોવા નથી મળતા, હકીકતમાં જ્યારે તેના કિસ્સાઓ સામે આવે છે ત્યારે ખરા અર્થમાં ધ્રુજી જવાય છે.
આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મહાનગર લખનઊમાં બન્યો છે, જ્યાં પતિએ પત્ની, બહેનની હત્યા કરી નાંખી અને હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા પોતાની જાતને પણ પતાવી નાખી હતી. લખનઉના ગોમતીપુરમાં આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) કર્મચારી માનસ બાજપેય એ ICICI બેંકની બાહર પોતાની પત્ની દિવ્યાની ગોળી મારીને હત્યા કરી નાંખી. 

વોટ્સએપના સ્ટેટસમાં શું હતું?

આ પછી ઘરે જઈને પોતાની બીમાર બહેન પર ફાયરિંગ કર્યું હતું, જેમાં બહેનનું મોત નીપજ્યું હતું અને એના પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. પડોશીઓએ જ્યારે આ સમગ્ર અવાજ સાંભળીને ઘરનો દરવાજો તોડ્યો તો અંદર હનુમાન ચાલીસા ચાલી રહી હતી. પોતાની પત્નીની હત્યા કરીને માનસ રિક્ષા દ્વારા પોતાના ઘરે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ હથિયાર જપ્ત કરી લીધા છે. 

આરોપીના વોટ્સએપ સ્ટેટસ પરથી હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું છે, જે ખરેખર એક ચોંકાવનારી વાત છે. પાડોશી અંકુરે જણાવ્યા અનુસાર માનસનું સ્ટેટસ જોયા બાદ માનસને મેં કોલ કર્યો હતો પણ તેણે ફોન રિસીવ કર્યો નહોતો. આ પછી મેં ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પણ લાંબા સમય સુધી દરવાજો પણ નહીં ખૂલતા આશંકા વધારે મજબૂત બની. અમે ત્રણથી ચાર લોકોએ મળીને દરવાજો તોડી નાંખ્યો હતો. અંદર જોયું તો રૂમમાં બે મૃતદેહ પડ્યા હતા. ટીવી પર હનુમાન ચાલિસા ચાલી રહી હતી. 

સીસીટીવીની તપાસ ચાલુ

મૃતદેહ માનસનો અને બહેનનો હતો, જ્યારે પત્નીની હત્યા કરીને ઘરે પહોંચ્યો એ સમયે તે ખૂબ જ સામાન્ય લાગી રહ્યો હતો. તેણે દુકાનદાર સાથે પણ સામાન્ય વ્યવહાર કર્યો. પછી અંદર જઈને દરવાજો બંધ કર્યો. માનસના માતા-પિતાનું અગાઉ જ અવસાન થયેલું છે. પરિવારમાં માત્ર એક બીમાર બહેન જ હતી. પહેલા તેણે પોતાની બહેનને ગોળી મારી દીધી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. 

પડોશીએ કહ્યું કે, માનસનો ઘણા સમયથી ઈલાજ ચાલી રહ્યો હતો. દિવ્યા અને માનસ વચ્ચે પણ ડખા ચાલી રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષથી તેઓ અલગ રહેતા હતા. પરિવારનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. DCP ડૉ. દીક્ષા શર્માના જણાવ્યા અનુસાર પોલીસે માનસના ઘરેથી ત્રણ હથિયાર જપ્ત કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ ચાલુ છે.