મુંબઈ: બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલે ૫૩ વર્ષની ઉંમરે પોતાની લોન્ગ ટાઈમ પાર્ટનર અને સાઉથ આફ્રિકન મોડલ ગેબ્રિએલા ડેમેટ્રિયાડેસ સાથે ગોવામાં કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે. અભિનેતાએ પોતાની લોન્ગ ટાઈમ પાર્ટનર અને મોડલ-ફેશન ડિઝાઈનર ગેબ્રિએલા ડેમેટ્રિયાડેસ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ ગોવાની સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં પોતાના લગ્ન નોંધાવ્યા હતા. લગ્નની કાયદેસર ઔપચારિકતા પૂર્ણ થયા બાદ અર્જુન અને ગૅબ્રિએલા અધિકૃત રીતે પતિ-પત્ની બની ચુક્યા છે.
2018થી સાથે છે અર્જુન અને ગૅબ્રિએલા
અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિયાડેસ વર્ષ 2018થી એકબીજા સાથે સંબંધમાં છે. બંનેએ પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો છે. સમય જતા બંને વચ્ચેનો સબંધ અત્યંત ગાઢ બની ગયો અને બંનેએ મળીને ફેમિલી શરૂ કરવાનું નક્કી કર્યું હતું. હવે લગ્ન કરીને તેમણે તેમના જીવનની નવી શરૂઆત કરી છે.
બે દીકરાના માતાપિતા છે અર્જુન અને ગૅબ્રિએલા
લગ્ન પહેલા બંને સાથે રહેવાનું શરુ કર્યું હતું અને બંનેને બે સુંદર દીકરા છે. તેમના મોટા દીકરા એરિકનો જન્મ 2019માં થયો હતો. જયારે નાના દીકરા આરવનો જન્મ 2023માં થયો હતો. બંને ઘણીવાર પોતાના બાળકો સાથે દેખાય છે. ફેમિલી લાઈફની ઝલક તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ગેબ્રિએલા એક સાઉથ આફ્રિકન મોડલ અને ફેશન ડિઝાઈનર છે. તે પોતાના ક્રિએટિવ કરિયર સાથે પોતાના મધરહૂડને પણ બેલેન્સ કરે છે.
રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર ખુલ્યું હતું સગાઈનું રહસ્ય
રસપ્રદ વાત તો એ છે કે લગ્ન પહેલા અર્જુને પોતે સગાઈનું રહસ્ય ખોલ્યું હતું. રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન અર્જુન અને ગેબ્રિએલા સાથે આવ્યા હતા. પોડકાસ્ટના ટ્રેલરમાં બંનેની વાતચીતે બધાનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. વાતચીત દરમિયાન ગેબ્રિએલાએ પ્રેમ અને સબંધ પર પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેણે કહ્યું કે પ્રેમ ઘણીવાર શરતો સાથે આવે છે. જો સામેવાળું કોઈ ખાસ રીતે વ્યવહાર કરે તો આપણને તેનું અપ્રુવલ કે પ્રેમ મળે છે, પરંતુ જયારે બાળકની વાત આવે ત્યારે વસ્તુઓ બદલાય જતી હોય છે.
તે સમયે અર્જુને ગેબ્રિએલા સાથે પોતાના સંબંધને લઈને મજાકિયા અંદાજમાં કહ્યું કે તે તેની પાછળ એટલા માટે ગયો હતો કે તે તેને ઘણી હોટ લાગી હતી. જો કે ત્યાર બાદ તેને અનુભવ થયો કે ફક્ત સુંદરતા સુધી વાત સીમિત નથી પરંતુ સંબંધમાં બીજી ઘણી એવી બાબતો છે જે મહત્વની છે. ત્યારબાદ જયારે ગેબ્રિએલાએ કહ્યું કે બંને હજી પરિણીત નથી અને આગળ શું થશે, તે કોણ જાણે છે, ત્યારે અર્જુને મોટો ખુલાસો કરતા કહ્યું કે અમે સગાઈ કરી ચુક્યા છીએ. અર્જુનની આ વાત પર રિયા ચક્રવર્તી પણ ચોકી ઉઠી હતી.
પહેલા લગ્ન મેહર જેસિયા સાથે થયા હતા
અર્જુન રામપાલના આ પહેલા લગ્ન નથી. આ પહેલા તેણે પૂર્વ સુપર મોડલ અને બિઝનેસવુમન મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 1998માં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ માહીકા અને માયરા છે.
ઘણા વર્ષો સાથે રહ્યા બાદ અર્જુન અને મેહરે વર્ષ 2018માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. 2019માં બંને એ કાયદેસરરીતે છૂટાછેડા લઇ લીધા હતા. જો કે સબંધ પૂરો થયા બાદ પણ અર્જુન અને મેહર પોતાની દીકરીઓના માતા-પિતાની જવાબદારી મળીને નિભાવે છે. અર્જુન ઘણીવાર પોતાની દીકરીઓ સાથે મજબૂત બોન્ડિંગની વાત પણ કરી ચુક્યો છે.