Sat Aug 22 2026

Logo

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના પૂરા થયા 100 દિવસ: અમિત શાહે કહ્યું, 'ડર'ની જગ્યાએ 'વિશ્વાસ'નો ઉદય થયો

2026-08-21 21:31:27
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સરકાર બની એના 100 દિવસ પૂરા થયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના 100 દિવસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના કામકાજની પ્રશંસા કરી છે. ખાસ કરીને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની કામગીરીને લઈને શાહે કહ્યું કે રાજ્યમાં હવે ‘ભયની જગ્યાએ વિશ્વાસ’નું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. 

અમિત શાહે બોર્ડર સિક્યુરિટીનો મુદ્દો પણ ઉઠાવ્યો. નવી સરકાર બન્યા બાદ માત્ર 45 દિવસમાં BSF અને SSB માટે 1,129 એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અગાઉ આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડતી હતી, જ્યારે હવે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરતાં જ કાર્યવાહી આગળ વધી રહી છે.

મમતા પાસેથી ન મળ્યો સહકાર

અમિત શાહે કહ્યું કે, ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર ફેન્સિંગ જરૂરી છે. તેમના મતે ઘૂસણખોરી પર સંપૂર્ણ નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી બંગાળ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા પડકારો યથાવત્ રહેશે. આ દરમિયાન શાહે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ સીધું નિશાન સાધ્યું. 

તેમણે દાવો કર્યો કે, અગાઉ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર જમીન ઉપલબ્ધ કરાવવા માટે મમતા બેનર્જીને વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ જરૂરી સહકાર મળ્યો નહોતો.હકીકત એવી પણ છે કે આ ચિત્રમાં હવે ફેરફાર થયો છે. શાહે નવા ફોજદારી કાયદા—BNS, BNSS અને BSA—નો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ કાયદાઓથી ન્યાય પ્રક્રિયામાં ઝડપ આવશે અને ‘ઝીરો FIR’ જેવી વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને પણ લાભ મળશે.

મુખ્ય પ્રાથમિકતા આ વિષયની

શુભેન્દુ અધિકારીનો રાજકીય સફર ખાસ મહત્વની છે. તેઓ લાંબા સમય સુધી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ 2020માં ભાજપમાં જોડાયા. 2021ની નંદીગ્રામ ચૂંટણીમાં તેમણે મમતા બેનર્જીને હરાવીને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ઓળખ બનાવી. ત્યારથી તેઓ ભાજપમાં મમતાના સૌથી મોટા રાજકીય વિરોધીઓમાંના એક બન્યા. 

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવી અને શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા. આ પરિવર્તનને બંગાળની રાજનીતિમાં મોટા સત્તા પરિવર્તન તરીકે જોવામાં આવ્યું છે. સિલિગુડીમાં અમિત શાહના નિવેદનથી સ્પષ્ટ છે કે ભાજપ સરકાર બંગાળમાં વિકાસ સાથે બોર્ડર સિક્યુરિટી, ઘૂસણખોરી અને કાયદો-વ્યવસ્થાને પોતાની સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ તરીકે રજૂ કરી રહી છે.