Sat Aug 22 2026

Logo

KBCમાં 5 કરોડ જીતીને રચ્યો હતો ઇતિહાસ, પણ એક ખરાબ આદતે રાતોરાત બનાવી દીધો કંગાળ, કોણ છે વિજેતા?

2026-08-21 21:33:13
Author: Mumbai Samachar Team
Article Image

KBC


મુંબઈઃ ટીવી પર અમિતાભ બચ્ચનનો જાણીતો શૉ 'કૌન બનેગા કરોડપતિ' ચાલી રહ્યો છે. આ નવી સીઝન શરૂ થતા અગાઉની સીઝન અંગેની પણ ચર્ચા શરૂ થઈ છે. અનેક એવા લોકોનું સપનું હોય છે કે, બિગ બીની સામે બેસીને લાખો-કરોડો રૂપિયા જીતી લેવાનું. પણ બધાય સફળ થતા નથી. અત્યાર સુધીમાં ઘણાય એવા લોકો છે, જે લાખોમાં કેશ જીતીને આવ્યા છે, કેટલાક તો કરોડની રકમ સુધી પહોંચ્યા છે. આજે વાત એવા વ્યક્તિની કરવી છે જે 5 કરોડ રૂપિયા જીતીને શૉમાંથી રાજી-ખુશીની એક્ઝિટ થયો પણ પછી કંગાળ થઈ ગયો. 

આ રીતે થયો કંગાળ
વર્ષ 2011માં શૉમાં આવેલા સુશિલ કુમારની, જે 5 કરોડ રૂપિયાની ધનરાશિ જીતીને ઈતિહાસ બનાવી ગયો. બિહારનો રહેવાસી સુશિલ કુમાર એકથી એક સાચા જવાબ આપીને ધનરાશિની રકમને ડબલ કરતો હતો અને અંતે 5 કરોડ રૂપિયા જીતી ગયો. 'કૌન બનેગા કરોડપતિ' શૉમાં 5 કરોડની રકમ જીતનાર આ પહેલો ખેલાડી હતો. પણ કહેવાય છે કે, નશો બધુ જ નષ્ટ કરાવી દે. જીવનને બરબાદ કરાવી દે. 

KBC

આવું જ કંઈક સુશિલ કુમાર સાથે થયું. નશાની લતે એનું જીવન બરબાદ કરી દીધું. શૉ જીતી લીધા બાદ સુશિલ કુમારની જિંદગી બદલી ગઈ હતી. વર્ષ 2020માં તેણે ફેસબુકના માધ્યમથી લોકોને પોતાની આપવીતી કહી હતી. તેણે કહ્યું કે, એક લોકલ સેલિબ્રિટી હોવાના કારણે દર મહિને દસથી પંદર દિવસ સુધી બિહારના કાર્યક્રમોમાં મેં હાજરી આપી. કેબીસી જીત્યા પછી ડૉનેશન કરવાની ખૂબ ઈચ્છા હતી. દર મહિને હું 50 હજારથી વધુ રકમ આવા કાર્યક્રમો થકી કમાતો. 

કેવી રીતે ચાલે છે હવે ઘર?
આ દરમિયાન કેટલાક એવા લોકો પણ મળ્યા જેને છેત્તર્યો અને કેટલાક એવા પણ મળ્યા જેને ખોટું કર્યું. પૈસા ડૉનેટ કર્યા બાદ મને ખ્યાલ આવ્યો કે ખરેખર જેને પૈસા આપ્યા એ ઠગ છે. મારી પત્ની સાથે મારા સંબંધો ખરાબ થતા ગયા. તે વારંવાર કહેતી હતી કે,મને સારા અને ખરાબ લોકોને ઓળખતા આવડતું નથી. આ વાત પર વારંવાર ઝઘડા થતા.આ પછી દારૂ અને સિગારેટની લત લાગી ગઈ હતી. એક દિવસ પત્ની સાથે ઝઘડો થયા બાદ હું આંટા મારી રહ્યો હતો એ સમયે મને એક પત્રકારનો ફોન આવ્યો અને મેં કહ્યું કે, હું ખૂબ જ કંગાળ થઈ ગયો છું. અત્યારે મારી પાસે જે બે ગાય છે એનુ દૂધ વેચીને ગુજરાન ચલાવી રહ્યો છું. આ વાત જાહેર થતા એવા અનેક લોકોએ મને કાર્યક્રમમાં બોલાવવાનું બંધ કરી દીધું.એ સમયે જ મને વિચારવાનો ચાન્સ મળ્યો કે, આખરે મારે હવે શું કરવાનું છે.