Mon Sep 07 2026

Logo

GSTનો સપાટો: ગુજરાતમાં 11 પેઢીઓનું  રૂ. 79 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું

2026-08-22 14:14:00
Author: Mayur Patel
GSTનો સપાટો: ગુજરાતમાં 11 પેઢીઓનું  રૂ. 79 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે રાજ્યવ્યાપી સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં 11 પેઢીઓનું બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડ ઝડપાયું હતું. પ્રારંભિક તપાસમાં રૂ. 79.45 કરોડની કરચોરી ઝડપાઈ છે. ઉપરાંત અત્યાર સુધીમાં આશરે રૂ. 119  કરોડના બોગસ ખરીદ-વેચાણના વ્યવહારો મળી આવ્યા છે.

મળતી વિગત પ્રમાણે,  માલસામાનની કોઈ વાસ્તવિક હેરફેર વગર માત્ર બિલ અને ઇન્વૉઇસ બનાવીને ITC મેળવવામાં આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર કાગળ પર વ્યવહારો દર્શાવીને બોગસ ITC ઊભી કરવામાં આવી હતી. તપાસ આગળ વધતાં બોગસ વ્યવહારો અને કરચોરીનો આંકડો વધી શકે છે.

આ તપાસ દરમિયાન, મેસર્સ નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર અજયકુમાર સત્યનારાયણ શાહ પણ રૂ. 119 કરોડના બોગસ ખરીદ-વેચાણના વ્યવહારોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જીએસટી વિભાગના જણાવ્યા અનુસાર, તેમના કિસ્સામાં ખોટી રીતે ITC મેળવીને રૂ. 21.49 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું જણાયું છે. ગુનાની ગંભીરતા અને સક્રિય સંડોવણીને ધ્યાનમાં રાખીને GST વિભાગે અજયકુમાર શાહની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે માલની કોઈ પણ પ્રકારની હેરફેર વિના માત્ર ઇન્વૉઇસ દ્વારા જ ખરીદ-વેચાણના વ્યવહારો ચોપડે દર્શાવવામાં આવ્યા હતા.

દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત

સર્ચ ઓપરેશન દરમિયાન જીએસટી અધિકારીઓએ સ્થળ પરથી મહત્ત્વના દસ્તાવેજો, કમ્પ્યુટર્સ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. બોગસ વ્યવહારોના આખા નેટવર્ક, સંડોવાયેલી અન્ય પેઢીઓ અને વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરવા માટે આ સામગ્રીની તપાસ ચાલી રહી છે. રાજ્ય GST વિભાગે બોગસ બિલિંગ દ્વારા ગેરકાયદે ITC મેળવતી પેઢીઓ સામે કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ ફેલાયો છે.