મુંબઈઃ સિનેમાઘરોમાં સની દેઓલની ‘બંટવારા 1947’ અને સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ‘વિશ્વનાથ એન્ડ સન્સ’ રિલીઝ થયાને 8 દિવસ પૂર્ણ થઈ ગયા છે. બીજા વીકએન્ડ તરફ વધી રહેલી આ બંને ફિલ્મોની કમાણીમાં હવે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ સૂર્યાની ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોમાં કમાણી કરી રહી છે, તો બીજી તરફ સની દેઓલની ફિલ્મની કમાણીમાં 8મા દિવસે જ ભારે ઘટાડો નોંધાયો છે.
‘બંટવારા 1947’નું 8મા દિવસનું કલેક્શન
સની દેઓલ સ્ટારર ‘બંટવારા 1947’ 8મા દિવસે એક કરોડનો આંકડો પણ સ્પર્શી શકી નથી. 8મા દિવસના કલેક્શનની વાત કરવામાં આવે તો માત્ર 75 લાખ રૂપિયાનો વેપાર કર્યો છે. ઓક્યુપન્સીની વાત કરવામાં આવે તો હિન્દીમાં માત્ર 9% ઓક્યુપન્સી રહી. દેશભરમાં આશરે 3,211 શોઝ ચાલ્યાં, જેમાં ભારતમાં કુલ નેટ કલેક્શન રૂપિયા 34.35 કરોડ થયું છે. ભારતીય ગ્રોસ કલેક્શન 40.77 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 49.02 કરોડ રૂપિયા થયું છેય
'વિશ્વનાથ એન્ડ સન્સ'ની શાનદાર રફ્તાર
સુપરસ્ટાર સૂર્યાની ફેમિલી-ડ્રામા ફિલ્મ ‘વિશ્વનાથ એન્ડ સન્સ’ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત રાખવામાં સફળ રહી છે. આ ફિલ્મે 8મા દિવસે 4.50 કરોડનો વેપાર કર્યો છે. ભારતમાં કુલ નેટ કલેક્શન 86.10 કરોડ રૂપિયા છે. આ સાથે ભારતીય ગ્રોસ કલેક્શન 99.52 કરોડ રૂપિયા અને વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન149.77 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.
આ વીકએન્ડ પર બોક્સ ઓફિસ પર કોણ બાજી મારશે?
કમાણીના મામલે સૂર્યાની ફિલ્મે સની દેઓલની ‘બંટવારા 1947’ને ઘણી પાછળ છોડી દીધી છે. વીકએન્ડમાં ‘વિશ્વનાથ એન્ડ સન્સ’નું કલેક્શન હજુ વધવાની શક્યતા છે, જ્યારે ‘બંટવારા 1947’ની કમાણી કરોડોમાંથી ઘટીને લાખો પર આવી ગઈ છે. હવે આવનારા દિવસોમાં સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર રિકવરી કરી શકે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.