Sun Aug 23 2026

Logo

ઔદ્યોગિક માગને ટેકે ધાતુમાં ધીમો સુધારો

2026-08-21 19:47:30
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે ગઈકાલે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે વાયદામાં ઉછાળો આવ્યા બાદ આજે એક્સચેન્જ ખાતે કોપરનાં સ્ટોકમાં વધારો થયો હોવાના અહેવાલ અને ઊંચી સપાટીએથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે માત્ર કોપર વાયરબારમાં કિલોદીઠ રૂ. ત્રણનો ઘટાડો આવ્યો હતો અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું. આ સિવાયની તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે બાવમાં કિલોદીઠ રૂ. એકથી આઠનો સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે કોપર સ્ક્રેપ હેવી અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને અનુક્રમે રૂ. 1355 અને રૂ. 413, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. 1369 અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 970ના મથાળે રહ્યા હતા. 

વધુમાં આજે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. 1335, નિકલના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. 1645, ટીનના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. 5495 અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે અનુક્રમે રૂ. 352 અને રૂ. 206ના મથાળે રહ્યા હતા. 

જોકે, આજે એક માત્ર કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે વપરાશકાર ઉદ્યોગની પણ માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ત્રણના ઘટાડા સાથે રૂ. 1441ના મથાળે અને ખપપૂરતી છૂટીછવાઈ માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 1250, રૂ. 940 અને રૂ. 310ના મથાળે ટકેલા રહ્યા હતા.