Sat Aug 22 2026

Logo

મોંઘા લેપટોપને બદલે લોકો ટેબ્લેટ તરફ વળ્યા! મોટા સ્ક્રીન ટેબ્લેટના વેચાણમાં 338  ટકાનો ઉછાળો, જાણો માર્કેટ ટ્રેન્ડ...

2026-08-22 14:33:31
Author: Darshana Visaria
Article Image

ટેકનોલોજી માર્કેટમાં મેમરી ચિપ અને ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની વધતી કિંમતોના કારણે સ્માર્ટફોન અને લેપટોપના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતીય યુઝર્સ હવે મોંઘા લેપટોપની જગ્યાએ ટેબ્લેટ (Tablets) ખરીદવા તરફ વળ્યા છે. ટેબ્લેટ હવે માત્ર મનોરંજન, વિડિયો સ્ટ્રીમિંગ કે ઓનલાઈન ક્લાસ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ મોટા ડિસ્પ્લે, વધુ રેમ (RAM), શક્તિશાળી પ્રોસેસર અને કીબોર્ડ સપોર્ટ જેવા ફીચર્સ સાથે રોજિંદા કમ્પ્યુટિંગ ડિવાઈસ તરીકે ઉભરી આવ્યા છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અને CMRના તાજેતરના રિપોર્ટ્સ મુજબ, ભારતમાં મોટા સ્ક્રીન અને પ્રીમિયમ સ્પેસિફિકેશન ધરાવતા ટેબ્લેટ્સની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. રિસર્ચના 2026ના ડેટા મુજબ ગ્રાહકોની પસંદગીમાં મોટો બદલાવ આવ્યો છે. 13 ઈંચ કે તેથી મોટી સ્ક્રીનવાળા ટેબના શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 338 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. જ્યારે 12થી 12.9 ઈંચ સ્ક્રીનના ટેબના વેચાણમાં 76 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત 11થી 11.9 ઈંચ સ્ક્રીનના વેચાણમાં 29 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

નાની સ્ક્રીનમાં ઘટાડો: બીજી તરફ, 10થી 10.9 ઈંચવાળા ટેબ્લેટમાં 76 ટકા અને 9.9 ઈંચથી નાની સ્ક્રીનવાળા ટેબ્લેટના વેચાણમાં 52 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે યુઝર્સ હવે લેપટોપ જેવો અનુભવ આપતા મોટા ડિસ્પ્લે તરફ વળી રહ્યા છે.

પ્રીમિયમ અને 12GB RAM વાળા મોડેલ્સની બોલબાલા:

સીએમઆરના આંકડા અનુસાર, ભારતીય ગ્રાહકો માત્ર સસ્તા ટેબ્લેટ ખરીદવાને બદલે પાવરફુલ પર્ફોર્મન્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. રૂપિયા 20,000થી વધુ કિંમતના ટેબ્લેટ્સનો હિસ્સો કુલ શિપમેન્ટના 86 ટકા સુધી પહોંચી ગયો છે અને આ સેગમેન્ટમાં 92 ટકાનો ગ્રોથ નોંધાયો છે. જ્યારે મલ્ટિટાસ્કિંગ માટે 6GB RAM વાળા ટેબ્લેટના શિપમેન્ટમાં 284 ટકા અને 12GB RAMવાળા હાઈ-એન્ડ મોડેલ્સમાં 835 ટકાનો તોતિંગ વધારો થયો છે.

શું ટેબ્લેટ લેપટોપનું સ્થાન સંપૂર્ણપણે લઈ શકે?

ટેક નિષ્ણાતોના મતે, ટેબ્લેટ લેપટોપનો સારો વિકલ્પ બની રહ્યા છે પરંતુ સંપૂર્ણ રિપ્લેસમેન્ટ નથી. વાત કરીએ તો ટેબ્લેટ કોના માટે બેસ્ટ છે એની તો ઓનલાઈન ક્લાસ, સ્ટડી, ઓફિસ મીટિંગ્સ, ઈમેલ ડ્રાફ્ટિંગ, ઈ-બુક વાંચન, સોશિયલ મીડિયા અને સામાન્ય પ્રોડક્ટિવિટી કામો માટે મોટો ટેબ્લેટ વધુ પોર્ટેબલ અને સસ્તો વિકલ્પ છે. પ્રોફેશનલ 4K વીડિયો એડિટિંગ, હેવી કોડિંગ/પ્રોગ્રામિંગ, 3D ગ્રાફિક્સ અને હાઈ-એન્ડ ગેમિંગ માટે હજુ પણ લેપટોપ અને ડેસ્કટોપની જરૂરિયાત અનિવાર્ય છે.