Wed Oct 14 2026

Logo

Dark Mode 24x7: ફોનમાં 24 કલાક ડાર્ક મોડ રાખવો આંખો માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો એક્સપર્ટ્સ શું કહે છે...

2026-10-14 15:52:00
Author: Darshana Visaria
Dark Mode 24x7: ફોનમાં 24 કલાક ડાર્ક મોડ રાખવો આંખો માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો એક્સપર્ટ્સ શું કહે છે...

સ્માર્ટફોન અને લેપટોપ યુઝર્સમાં છેલ્લાં કેટલાક સમયથી 'ડાર્ક મોડ'નો ઉપયોગ કરવાનો ક્રેઝ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઝડપથી વધ્યો છે. મોટાભાગના લોકો માને છે કે સ્ક્રીનને કાળી રાખવાથી આંખો પર ઓછો ભાર પડે છે અને બેટરી બચે છે. આ જ માન્યતાને કારણે ઘણા યુઝર્સ દિવસ-રાત એટલે કે ચોવીસ કલાક પોતાના ફોનમાં આ પ્રકારનો ડાર્ક મોડ જ ઓન રાખે છે. પરંતુ શું સતત ડાર્ક મોડ ચાલુ રાખવો ખરેખર આંખો માટે સુરક્ષિત છે? વિજ્ઞાન અને આંખના નિષ્ણાતો આ અંગે શું કહે છે, ચાલો આ સ્ટોરીમાં વિસ્તારથી જાણીએ... 

ડાર્ક મોડના મુખ્ય ફાયદા શું છે?

બેટરીની બચત: જો તમારા ફોનમાં OLED અથવા AMOLED ડિસ્પ્લે છે, તો ડાર્ક મોડ વાપરવાથી બેટરીનો વપરાશ ઘણો ઓછો થાય છે. કાળો રંગ દર્શાવવા માટે આ સ્ક્રીનના પિક્સેલ્સ આપમેળે બંધ થઈ જાય છે.
ઓછા પ્રકાશમાં રાહત: રાતના સમયે કે પછી અંધારાવાળા રૂમમાં લાઇટ બંધ હોય ત્યારે ડાર્ક મોડ આંખોને તેજ સફેદ પ્રકાશથી બચાવે છે અને સ્ક્રીન જોવાનું સરળ બનાવે છે.
બ્લૂ લાઇટનું ઓછું ઉત્સર્જન: સામાન્ય લાઇટ મોડની સરખામણીએ ડાર્ક મોડમાં બ્લૂ લાઇટનું પ્રમાણ ઘટવાથી રાત્રે ઊંઘમાં પડતી અડચણ ઓછી થાય છે.

24 કલાક ડાર્ક મોડ રાખવાથી થતું નુકસાન:

દિવસ દરમિયાન અથવા સારી રોશનીવાળા ઓરડામાં કાળી સ્ક્રીન પર સફેદ અક્ષરો વાંચવા માટે આંખોને વધુ મહેનત કરવી પડે છે. તેનાથી આંખના સ્નાયુઓ પર તણાવ વધે છે. જે લોકોને એસ્ટિગ્મેટિઝમ એટલે કે દ્રષ્ટિની ખામી હોય, તેમને ડાર્ક બેકગ્રાઉન્ડ પર સફેદ ટેક્સ્ટ જોવામાં 'હાલો ઇફેક્ટ' અનુભવાય છે, જેથી માથાનો દુખાવો વધી શકે છે. કાળી સ્ક્રીન જોવા માટે આંખની કીકી વધુ પહોળી થાય છે, જેથી જ્યારે પણ અક્ષરો વાંચવાના હોય ત્યારે ફોકસ કરવામાં વધુ દબાણ સર્જાય છે.

સ્માર્ટફોન વાપરતી વખતે કયો મોડ શ્રેષ્ઠ છે?

⦁    24 કલાક ડાર્ક મોડ ઓન રાખવાને બદલે ફોનમાં 'Auto / Sunset toSunrise' મોડ સેટ કરવો જોઈએ.
⦁    સવારે અને સામાન્ય અજવાળામાં લાઇટ મોડ વાપરવો જેથી વાંચવામાં આંખો પર ભાર ન પડે.
⦁    સૂર્યાસ્ત પછી અથવા ઓછા પ્રકાશવાળા વાતાવરણમાં ડાર્ક મોડ ચાલુ રાખવો સૌથી વધુ ફાયદાકારક રહે છે.
⦁    જો લાંબા સમય સુધી આર્ટિકલ કે પુસ્તકો વાંચવા હોય, તો ડાર્ક મોડ કરતાં વાર્મ ટોનવાળો Eye Comfort Shield મોડ આંખો માટે વધુ અનુકૂળ રહે છે.