Wed Oct 14 2026

Logo

બેંક ઓફ બરોડાએ જેની પાસે 2800 કરોડ વસૂલવાના છે, તેણે જ ઠોક્યો BANK પર 1.44 લાખ કરોડનો કેસ, ધડામ થયો શેર!

2026-10-14 13:53:00
Author: Mumbai Samachar Team
બેંક ઓફ બરોડાએ જેની પાસે 2800 કરોડ વસૂલવાના છે, તેણે જ ઠોક્યો BANK પર 1.44 લાખ કરોડનો કેસ, ધડામ થયો શેર!

શેરબજારમાં બુધવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના જોવા મળી. હકીકતમાં જે વ્યક્તિ પાસેથી બેંકે પોતાના 2,800 કરોડ રૂપિયાની લોન વસૂલવાની છે, તે જ વ્યક્તિએ સામો બેંક પર આશરે 15 અબજ ડોલરનો કેસ ઠોકી દીધો છે. આ અજીબોગરીબ સમાચારની અસર શેરબજાર પર તરત જ જોવા મળી. રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો, જેના લીધે બેંકના શેરમાં 3 ટકા સુધીનો કડાકો બોલી ગયો. આ સમગ્ર મામલો એનએમસી હેલ્થકેર (NMC Healthcare) ના સંસ્થાપક બી.આર. શેટ્ટી સાથે જોડાયેલો છે.

દેવાદારે જ કરી દીધો જંગી કેસ

આ સમગ્ર મામલો ખૂબ રસપ્રદ છે. બેંક ઓફ બરોડા સતત બી.આર. શેટ્ટી પાસેથી પોતાની બાકી રકમ વસૂલવાનો પ્રયાસ કરી રહી છે. બેંકે તેમની પાસેથી આશરે 2,800 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. આ માટે ભારતથી લઈને યુએઈ (UAE) સુધી કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

શેટ્ટીએ લગાવ્યા છેતરપિંડીના આરોપ

બી.આર. શેટ્ટીએ પોતાની અરજીમાં બેંક પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે બેંકના અધિકારીઓએ તેમની કંપનીઓમાં બનાવટી વ્યવહારો કરવામાં મદદ કરી હતી. મની લોન્ડરિંગ સંબંધિત ચેતવણીઓને નજરઅંદાજ કરવામાં આવી હતી. શેટ્ટીનો એવો પણ આરોપ છે કે તેમની નકલી સહીઓનો ઉપયોગ કરીને લોન પાસ કરવામાં આવી હતી. આ નુકસાનની ભરપાઈ માટે તેમણે 5 અબજ ડોલર સીધા નુકસાન પેટે અને 5 અબજ ડોલર બિઝનેસ છીનવાઈ જવાના નુકસાન પેટે માંગ્યા છે.

બેંકે દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા

આટલા મોટા કેસની વાત સામે આવ્યા બાદ બેંકે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. બેંકનું કહેવું છે કે તેમને હજુ સુધી કોર્ટ તરફથી કોઈ સત્તાવાર નોટિસ મળી નથી. નોટિસ મળતાં જ તેઓ આ દાવાઓનો કડક કાનૂની જવાબ આપશે. વર્ષ 2021માં કર્ણાટક હાઈકોર્ટે પણ શેટ્ટીને પોતાની સંપત્તિ વેચવા પર રોક લગાવી દીધી હતી. ત્યારપછી તેઓ પોતાને નાદાર જાહેર કરવાની અપીલ પણ કરી ચૂક્યા છે.

શેરબજારમાં જોવા મળી ડરની અસર

આ ચોંકાવનારા સમાચારથી બેંકના રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો. શરૂઆતના કારોબારમાં જ બેંકનો શેર ઘટીને 231.30 રૂપિયા પર આવી ગયો, જે મંગળવારે 238.43 રૂપિયા પર હતો.

જૂના વિવાદનું નવું સ્વરૂપ

આ મામલો બેંકના એક જૂના વિવાદ સાથે પણ જોડાયેલો છે. આ જ વર્ષે જુલાઈ 2026માં બેંક ઓફ બરોડાએ એનએમસી (NMC) ગ્રુપના મામલાઓ ઉકેલવા માટે 600 મિલિયન ડોલર (આશરે 5,700 કરોડ રૂપિયા) ચૂકવવાની સમજૂતી કરી હતી. બેંકે આ રકમ ચૂકવીને મામલો થાળે પાડ્યો હતો.