બિહારના હાજીપુરમાં મંગળવારે મોડી સાંજે ગંગા નદીમાં નાવ પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. બોટમાં 20 કરતાં વધુ લોકો સવાર હતા. આ અકસ્માત તેજસ્વી યાદવના વિધાનસભા ક્ષેત્ર રાઘોપુરના રામપુર શ્યામચંદ ગામ પાસે થયો હતો. આ દુર્ઘટનામાં 14 લોકોના મોતના અહેવાલની પુષ્ટિ થઈ છે, જ્યારે 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં મોટાભાગના બાળકો હતા. બિહાર સરકારે મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માત કયા કારણોસર થયો તેની વિસ્તૃત માહિતી હજુ સુધી સામે નથી આવી.
પ્રાપ્ત માહિતી મુજબ, નાવમાં સવાર લોકો શ્રાદ્ધનું ભોજન ખાવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગંગા નદીમાં નાવ પલટી ગઈ અને તેમાં સવાર લોકો નદીમાં પડી ગયા. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે નાવમાં સવાર લોકોને બચવાની તક પણ ન મળી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. તાબડતોબ સ્થાનિક પોલીસ-વહીવટીતંત્રને આ અંગે જાણ કરવામાં આવી અને બચાવ કામગીરી (રેસ્ક્યુ ઓપરેશન) હાથ ધરવામાં આવી.
ઘટના પછીના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ભોગ બનનારાઓને મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની ગંભીરતા વચ્ચે લોકો પોતાના પરિવારજનોની માહિતી મેળવી રહ્યા છે. બીજી તરફ, મૃતકોના સ્વજનોના કલ્પાંતથી વાતાવરણ ગમનીન બની ગયું હતું.
राघोपुर में नाव पलटने की हृदयविदारक घटना से मर्माहत हूँ। ईश्वर दिवंगत आत्माओं को शांति तथा शोकाकुल परिवारों को यह दुःख सहने की शक्ति प्रदान करें। https://t.co/osi52CLqGc
— Tejashwi Yadav (@yadavtejashwi) October 13, 2026
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ રાઘોપુર દિયારા વિસ્તારમાં નાવ પલટી જવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે દુર્ઘટનાના દુર્ભાગ્યપૂર્ણ સમાચાર મળ્યા છે અને ડૂબનારાઓમાં મોટાભાગના બાળકો છે. તેજસ્વી યાદવે તમામ લોકો સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ નાવ પલટવાની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમના સંસદીય ક્ષેત્ર હેઠળ આવતા રાઘોપુર દિયારામાં હોડી દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચાર અત્યંત પીડાદાયક અને હૃદયદ્રાવક છે. આ અકસ્માતમાં મોટાભાગના નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.