Tue Oct 13 2026

Logo

બોમ્બે હાઈ ખાતે ઓએનજીસીના ઓઈલ પ્લેટફોર્મ પર ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

2026-10-13 21:07:00
Author: Mumbai Samachar Team
બોમ્બે હાઈ ખાતે ઓએનજીસીના ઓઈલ પ્લેટફોર્મ પર ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

Chat GPT Image


નવી દિલ્હી/મુંબઈઃ મુંબઈના દરિયાકાંઠે આવેલા સરકારી માલિકીની 'ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન' (ઓએનજીસી)ના ઓઈલ પ્લેટફોર્મ પર ભીષણ આગ લાગી હતી, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

સોમવારે સવારે એનકયુજી  પ્લેટફોર્મ પરના 'પ્રોસેસ ગેસ કોમ્પ્રેસર સી' (પીંજીસી-સી) ખાતે ગેસ કુલર ફિંગર ફાટવાને કારણે લાગેલી આગને એક કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

આ પ્લેટફોર્મ સમુદ્રના તળિયે આવેલા કૂવાઓમાંથી કાઢવામાં આવતા ક્રૂડ ઓઈલ પર પ્રક્રિયા કરતું હતું. અહીં દરરોજ ૪૦,૦૦૦ બેરલથી વધુ ક્રૂડ ઓઈલ પર પ્રક્રિયા કરવામાં આવે છે. 
ઓએનજીસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રમાણભૂત કાર્યપદ્ધતિ (એસઓપી) મુજબ આગ લાગ્યા બાદ પ્લેટફોર્મ બંધ કરી દેવામાં આવ્યું હતું. પ્લેટફોર્મને મોડી સાંજે ફરી કાર્યરત કરવામાં આવ્યું હતું અને કુવાઓને એક પછી એક જોડવાની કામગીરી ચાલુ કરી  હતી; તેમણે ઉમેર્યું કે સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે.  

એનકયુજી પ્લેટફોર્મ એ ભારતનાં પશ્ચિમ કિનારા નજીક અરબી સમુદ્રમાં આવેલા 'મુંબઈ હાઈ' ક્ષેત્રમાં ઓએનજીસીની દરિયાઈ કામગીરીનો એક ભાગ છે. તે તેલ અને કુદરતી ગેસ પર પ્રક્રિયા કરી તેને મુખ્ય ભૂમિ (મેઈનલેન્ડ) સુધી પહોંચાડે છે. 
કંપનીના એક અધિકારીએ આગની ઘટનાની પુષ્ટિ કરી હતી, સાથે જણાવ્યું હતું કે તેનાથી કામગીરી પર કોઈ અસર પડી નથી.