બંગાળની ખાડીમાં 'અર્ણબ' વાવાઝોડાએ મચાવેલી તબાહીના માંડ સાત દિવસની અંદર જ વધુ એક ખતરનાક ચક્રવાતી તોફાન ‘મુરાસુ’ સક્રિય થઈને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. પણ શું તમને ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે સાઈક્લોન કઈ રીતે તૈયાર છે? એક સાઈક્લોનને તૈયાર થતાં કેટલો સમય લાગે છે? ચાલો આ સવાલોને જવાબ મેળવીએ આ સ્ટોરીમાં...
માત્ર એક જ અઠવાડિયામાં ઉપરાઉપરી બે શક્તિશાળી ચક્રવાતો ત્રાટકતાં હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ સંપૂર્ણ હાઈ-એલર્ટ પર છે. ભારતના કિનારાના વિસ્તારોમાં ભારે પવન અને મૂશળધાર વરસાદને કારણે તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘણા રાજ્યોમાં સમય કરતાં વહેલી ઠંડીનું આગમન થયું છે. આવી સ્થિતિ વચ્ચે સામાન્ય લોકોમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આખરે એક ચક્રવાત કેવી રીતે સર્જાય છે, તેને બનવામાં કેટલો સમય લાગે છે અને શા માટે આટલી ઝડપથી વાવાઝોડાં તૈયાર થઈ રહ્યાં છે?
ચક્રવાત બનવાની સાયન્ટિફિક પ્રક્રિયા શું છે?
ચક્રવાત બનવા માટે સમુદ્રની સપાટીનું તાપમાન ઓછામાં ઓછું 26.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોવું અનિવાર્ય છે, અને આ તાપમાન સમુદ્રમાં લગભગ 50 મીટરની ઊંડાઈ સુધી હોવું જોઈએ. દરિયાનું ગરમ પાણી બાષ્પીભવન પામીને વરાળ સ્વરૂપે વાતાવરણમાં ઊંચે ચઢે છે. આનાથી સમુદ્રની સપાટી પર હવાનું દબાણ અચાનક અત્યંત ઘટી જાય છે. ખાલી પડેલી જગ્યા પૂરવા આસપાસની ઠંડી હવા ઝડપથી કેન્દ્ર તરફ ધસી આવે છે.
ઊંચાઈએ પહોંચેલી ભેજવાળી હવા ઠંડી થઈને ઘટ્ટ વાદળોમાં ફેરવાય છે અને તેમાંથી મોટા પાયે ગરમી (Latent Heat) મુક્ત થાય છે, જે તોફાનને વધુ ઊર્જા પૂરી પાડે છે. વાવાઝોડાના સમગ્ર માળખાને સ્થિર રાખવા માટે વાતાવરણના ઉપરના સ્તરના પવનો શાંત હોવા જરૂરી છે. જો ઉપલા પવનો ખૂબ તેજ હોય, તો વાવાઝોડું શરૂઆતમાં જ વિખેરાઈ જાય છે.
એક સંપૂર્ણ ચક્રવાત બનવામાં કેટલો સમય લાગે છે?
સામાન્ય રીતે સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ બન્યા પછી તેને સંપૂર્ણ તાકાતવર ચક્રવાત (Tropical Cyclone) બનતાં ત્રણથી પાંચ દિવસ જેટલો સમય લાગે છે. દરિયાની સપાટી પર ગરમ પવનો ઊંચે જઈને લો-પ્રેશર એરિયા અને ત્યારબાદ 'ડિપ્રેશન' (Depression) તૈયાર કરે છે અને પવનો ગોળાકાર ફરવા લાગે છે.
જ્યારે પવનની ગતિ વધીને 62 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ જાય, ત્યારે હવામાન વિભાગ દ્વારા તેને સત્તાવાર રીતે ‘ચક્રવાતી તોફાન’ (Cyclonic Storm) જાહેર કરવામાં આવે છે અને તેને ઈન્ટરનેશનલ સિસ્ટમ હેઠળ નામ આપવામાં આવે છે. ત્યારબાદ સાનુકૂળ સ્થિતિ મળે તો 24 કલાકમાં તે સિવિયર કે પછી વેરી સિવિયર સાયક્લોનમાં ફેરવાઈ જાય છે.
માત્ર સાત દિવસમાં બે તોફાન કેમ? ‘સુપર અલ-નીનો’ નું જોખમી ફેક્ટર
પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલા 'સુપર અલ-નીનો' અને ક્લાઈમેટ ચેન્જના કારણે બંગાળની ખાડીની સપાટીનું તાપમાન 28થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ અસામાન્ય ગરમી ચક્રવાત માટે ‘હાઈ-ઓક્ટેન ઇંધણ’ તરીકે કામ કરે છે.
વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, અલ-નીનોના સમયગાળા દરમિયાન સિસ્ટમ ખૂબ ઝડપથી ભેજ અને ઊર્જા ખેંચી લે છે, જેનાથી એક તોફાન શમે તે પહેલાં બીજું લો-પ્રેશર તોફાનમાં ફેરવાઈ જવાની ક્ષમતા મેળવી લે છે. સામાન્ય રીતે આવા સમયગાળામાં ચક્રવાતોની આવૃત્તિ ભલે મર્યાદિત રહે, પરંતુ તેમની તીવ્રતા અને વિનાશ વેરવાની ક્ષમતા સામાન્ય કરતાં અનેક ઘણી વધારે હોય છે.