નવી દિલ્હી: જાહેર સ્થળોએ લાંબા સામે સુધી ધરણાં-પ્રદર્શન કરવાના અધિકારને લઇએં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે કોઈ પ્રદર્શનકારી જૂથને જાહેર સ્થળ પર અનિશ્ચિત સામે સુધી કબજો જમાવવાની મંજૂરી આપી શકાય નહીં. આવા પ્રદર્શનથી સામાન્ય લોકો અને દૈનિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની રોજીરોટી પર શું અસર પડે છે, તે ધ્યાનમાં લેવું પણ જરૂરી છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષતાવાળી બેન્ચે ઓક્ટોબરમાં દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ થયેલા પ્રદર્શનોને લગતી અરજીઓની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. અરજદારોના વકીલો જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. બીજી તરફ , એક વેપારી સંગઠન તરફથી દલીલ કરવામાં આવી હતી કે સતત ચાલતા
આંદોલનોને કારણે વેપાર-ધંધાને મોટું નુકસાન
આ દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જુલાઈમાં થયેલા એક પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું કે તે સમયે માત્ર એક દિવસ માટે પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ પ્રદર્શનકારીઓ 17 દિવસ સુધી ત્યાં બેઠા રહ્યા હતા. ત્યાર બાદ તેમણે મંજરી વિના સાંસદ તરફ કૂચ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેમણે દલીલ કરી કે પ્રદર્શનકારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ.
‘કોઈ એક જૂથ કાયમ માટે ત્યાં બેસી ન શકે’
તમામ દલીલોને સાંભળ્યા બાદ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે પ્રદર્શન માટે એક કે બે સ્થળ નક્કી કરી શકાય છે, પરંતુ ત્યાં તમામ જૂથોને વારાફરતી પ્રદર્શન કરવાની તક મળવી જોઈએ. કોઈ એક જૂથને સરળ સ્થળ પર કબજો જમાવીને અન્ય લોકોને પ્રદર્શન કરતાં રોકવાનો અધિકાર આપી શકાય નહીં. તેમણે સવાલ કર્યો કે જો ખેડૂતો, ટ્રેડ યુનિયનનો અને બેઘર લોકો પણ પોતાની માંગણીઓ કરવા માંગશે તો તેઓ ક્યાં જશે?
વેપાર અને રોજગાર પર ગંભીર અસર
વેપારીઓ તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દાવો કર્યો હતો કે પ્રદર્શનોને કારણે વેપારીઓને અંદાજે 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, તહેવારોની સિઝનમાં બજારો બંધ રહેતા માત્ર વેપારીઓ જ નહીં પરંતુ ટેમ્પોચાલકો, મજૂરો અને માલસમાનની હેરફેર સાથે જોડાયેલા કર્મચારીઓની આવક પર ગંભીર અસર પડે છે.
જોકે, બેન્ચના સભ્ય જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ સવાલ કર્યો હતો કે વેપારમાં ઘટાડા માટે માત્ર પ્રદર્શનકારીઓને જ જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય? વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી બેરિકેડિંગ અને દુકાનો બંધ કરાવવાના પગલાં પણ વેપારને અસર કરી શકે છે.
9 પ્રકારની અરજીમાં વહેંચાયો છે મામલો
આજે કરેલી સુનાવણી દરમિયાન મહિલા પત્રકારોની સુરક્ષા, પ્રદર્શનકારીઓની ઓળખ માટે ફેસ રિકગ્નિશન ટેકનોલોજીના ઉપયોગ અને પ્રદર્શન દરમિયાન સરકાર દ્વારા મેટ્રો, રસ્તા તથા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. કોર્ટે જણાવ્યું કે આ મામલાના નોડલ વકીલોએ અરજીને નવ અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચી છે. દરેક શ્રેણીની અરજીઓની અલગથી સુનાવણી કરવામાં આવશે, જેથી સમગ્ર પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે. વકીલે કયા ક્રમમા બોલવું તે પણ નક્કી કરવામાં આવશે.
વિપક્ષની રેલી અંગે 23 નવેમ્બરે સુનાવણી
સુનાવણી દરમિયાન વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા ત્યારે સર્જાયેલી સ્થિતિ અને રાહુલ ગાંધી દ્વારા એક ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો માર્યો હોવાના આરોપ અંગે પણ ચર્ચા પણ થઈ હતી. કોર્ટે આ મામલે 23 નવેમ્બરે સુનાવણી કરવા જણાવ્યું છે. સાથે જ અરજદારને તમામ પ્રતિવાદીઓને અરજીની નકલ આપવા નિર્દેશ કર્યો છે, જેથી તેઓ પોતાનો જવાબ દાખલ કરી શકે.