Tue Oct 13 2026

Logo

વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1257ની અને સોનામાં રૂ. 444ની પીછેહઠ...

2026-10-13 21:04:59
Author: Ramesh Gohil
વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1257ની અને સોનામાં રૂ. 444ની પીછેહઠ...

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક બજારમાં આજે ક્રૂડ તેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં વધુ 42 પૈસાનો સુધારો આવ્યો હોવાથી આયાત પડતરોમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1257નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 442થી 444નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1257ના ઘટાડા સાથે રૂ. 2,19,038ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં આયાત પડતરો ઘટી આવતાં હાજરમાં વેરા રહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 442 ઘટીને રૂ. 1,47,026 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 444ના ઘટાડા સાથે રૂ. 1,47,617ના મથાળે રહ્યા હતા.

જોકે, ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી  હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે લંડન ખાતે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ ઉપરાંત આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં હાજરમાં સોનાના ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 4184.84 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદમાં ભાવ 0.4 ટકા વધીને 4209 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 60.41 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે હવે વૈશ્વિક રોકાણકારોની અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાત પર મંડાઈ છે. જેમાં આવતીકાલે સપ્ટેમ્બર મહિનાના ફુગાવાની અને ગુરુવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ ઉપરાંત આગામી શુક્રવારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ખાતેના વક્તવ્યનો સમાવેશ થાય છે, એમ સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઓલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે આ ત્રણેયની જાહેરાતોની અસર અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ અને ડૉલર ઈન્ડેક્સ પર પડવાની સાથે સાથે કિંમતી ધાતુઓના ભાવ પર પણ પડશે. 

દરમિયાન આજે ક્રૂડ તેલના ભાવમાં એક સપ્તાહ પછી પહેલી વખત ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ડૉલર ઈન્ડેક્સ 18 મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો અને અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ પણ ગત બીજી ઑક્ટોબર પછીની નીચી સપાટીએ રહેતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં ગઈકાલે ક્લેવરલેન્ડ ફેડના પ્રમુખ બેથ હેમ્મેકે કહ્યું હતું કે ફેડરલ રિઝર્વે ફુગાવાને અંકુશમાં રાખવા માટે ઝડપભેર નિયંત્રિત અથવા તો કડક નાણાનીતિ તરફ વળવું જોઈએ. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 17 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા, જ્યારે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની 87 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.